સોમવારે વેપારી એસોસિયેશનોની વેટના અધિકારીઓ સાથે બેઠક

અમદાવાદ: ૧ જુલાઇથી જીએસટી લાગુ થયા બાદ નવી કર વ્યવસ્તા અંતર્ગત પ્રથમ ટેક્સ રિટર્ન ૨૦ ઓગસ્ટ સુધી ભરી શકાય છે. રિટર્ન ભરવાને હવે માત્ર આઠ દિવસની વાર છે ત્યારે એક મહિનામાં જીએસટીના અમલને લઇને ટેક્સ નિષ્ણાતોને તથા વિવિધ વેપારી એસોસિયેશનોને જોવા મળી રહેલા પ્રશ્નોની ચર્ચા કરવા આગામી સોમવારે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિવિધ વેપારી એસોસિયેશનોની સંકલન સમિતિની એક બેઠક મળી રહી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ બેઠકમાં ટેક્સ બાર એસોસિયેશનના અગ્રણીઓ સહિત ગુજરાત ચેમ્બરના હોદ્દેદારો, કાપડ બજારના અગ્રણીઓ તથા વિવિધ વેપારી એસોસિયેશનો આ અંગે પોતાના પ્રશ્નો અંગે છણાવટ કરાશે. ઉલ્લેખનીય છે કે જીએસટીના અમલ બાદ કાપડ બજારે અનિશ્ચિત મુદતની હડતાળ પાડી હતી ત્યાર બાદ સરકાર સાથે સમાધાન પણ થઇ ગયું હતું, જોકે હજુ પણ કેટલાક એવા પ્રશ્નો છે કે જેને લઇને વેપારીઓમાં શંકા ઉદ્ભવી રહી છે.

જીએસટીની પ્રક્રિયા અંતર્ગત ૨૦ ઓગસ્ટ સુધી જીએસટી રિટર્ન ફોર્મમાં માત્ર એક જ પાર્ટ હશે, જ્યારે સપ્ટેમ્બરમાં જુલાઇ મહિનાનું ફૂલ રિટર્ન ભરવાનું થશે ત્યારે વેપારીને ત્રણ રિટર્ન એટલે કે સેલ્સ, પર્ચેઝ અને કોન્સોલિડેટેડ રિટર્ન દાખલ કરવાના રહેશે.

એક વર્ષમાં કુલ ૩૭ રિટર્ન ભરવાના થશે. સપ્ટેમ્બરમાં ફૂલ રિટર્ન ભરવાની તારીખ પણ નિર્ધારિત કરવામાં આવી છે. પાંચમી સપ્ટેમ્બર સુધીમાં જુલાઇ મહિનાનું સેલ્સ રિટર્ન, જ્યારે ૧૦ સપ્ટેમ્બર સુધીમાં જુલાઇનું પર્ચેઝિંગ જીએસટી રિટર્ન ભરી શકાશે.

You might also like