વેટના ઓનલાઈન સુધારા-વધારા ન થતાં વેપારીઓ મુશ્કેલીમાં

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ જીએસટી માટે માઇગ્રેશનની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. એક અંદાજ મુજબ ત્રણ લાખથી વધુ વેપારીઓના માઈગ્રેશન જીએસટીમાં થઇ ચૂક્યા છે, પરંતુ કેટલાક ટેકનિકલ  કારણસર કેટલાક વેપારીઓની માઇગ્રેશન પ્રક્રિયા અટકી પડતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાતા જોવા મળ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ વેપારી દ્વારા ફર્મ પ્રાઇવેટમાંથી પાર્ટનરશિપમાં કરાઇ હોય અને તે અંગેની જાણ ડિપાર્ટમેન્ટને જરૂરી પાર્ટનરશિપ ડીડ તથા પાનકાર્ડ સાથે જાણ કરાઇ હોય, પરંતુ ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટમાં આ સુધારો અપગ્રેડ ન કરાતા આ વેપારીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એ જ પ્રમાણે પાર્ટનરશિપ ફર્મમાંથી કંપનીમાં ટ્રાન્સફર કરાઇ હોય અને તે અંગેનું મેમોરેન્ડમ ફોર્મ તથા પાનકાર્ડ ડિપાર્ટમેન્ટમાં રજૂ કરાયા હોય તેમ છતાં ડિપાર્ટમેન્ટની ઓનલાઇન વેબસાઇટમાં જે તે કંપની પાર્ટનરશિપ ફર્મમાં જ દર્શાવતી હોય છે. વેપારી દ્વારા કંપનીનું નામ, સરનામાના ફેરફાર અંગેની જાણ ડિપાર્ટમેન્ટમાં કરાઇ હોવા છતાં ડિપાર્ટમેન્ટની સત્તાવાર વેબસાઇટમાં આ અંગેના કોઇ સુધારાવધારા કરાયા ન હોવાના કારણે આ વેપારીને જીએસટીમાં માઇગ્રેશન પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એટલું જ નહીં હાલ તમામ પ્રક્રિયા ઓનલાઇન થઇ રહી છે ત્યારે આ વેપારીને ઓનલાઇન અરજી કરવા માટે ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રેશર કરાય છે તથા અગાઉ કંપનીનાં નામ-સરનામાના ફેરફાર અંગેની જાણ કરવામાં આવી હોવા છતાં ઓનલાઇન અરજી કરતા સમયે જરૂરી પુરાવા અપલોડ કરવાની સૂચના આપવામાં આવે છે. આ અંગે સેલ્સટેક્સ બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ વારીશ ઇશાનીના જણાવ્યા પ્રમાણે વેપારી દ્વારા કંપનીનાં નામ-સરનામા તથા પ્રાઇવેટ ફર્મમાંથી પાર્ટનરશિપ ફર્મના ફેરફાર સંબંધી જાણ કરાઇ હોવા છતાં સત્તાવાર વેબસાઇટમાં કોઇ સુધારો ન થવાના કારણે વેપારીને પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડે છે.
http://sambhaavnews.com/

You might also like