વેટ વિભાગે વેપારીઓને માહિતી અપડેટ કરવા પત્ર લખ્યા

અમદાવાદ: જીએસટીને લાગુ કરવા માટે રાજ્યમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. વેટ વિભાગે વેપારીઓના ડેટા અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. જીએસટીના અમલીકરણ પૂર્વે જ વેપારીઓને પત્ર દ્વારા તેમના ફોન નંબર, પાન નંબર, મેઇલ આઇડી સહિતની તમામ માહિતીઓ ઓગસ્ટના અંત સુધીમાં પૂર્ણ કરવા જણાવી દેવાયું છે. જો કોઇ વેપારી આ બાબતને જો કોઇ વેપારી અવગણશે તો વેટ વિભાગ તેની ઇ-સર્વિસ બ્લોક કરશે.

લોકસભા અને રાજ્યસભામાં જીએસટી બિલને લીલી ઝંડી મળ્યા બાદ વેટ વિભાગ દ્વારા હવે પછીની બધી કસરત જીએસટી નંબર ઇસ્યૂ કરવા પૂર્વે તૈયારી પૂર્ણ કરવાની છે. એક માત્ર અમદાવાદમાં જ પાંચ લાખથી વધુ વેપારીઓ વેટનો ટીન નંબર ધરાવે છે.

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)ના અમલ બાદ વેપારીઓને અપાતા નંબરમાં પણ ફેરફાર થશે. જેના કારણે વેપારીઓની માહિતી અપડેટ કરવા વેટ વિભાગે દરેક વેપારીને પત્ર લખ્યો છે. આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ સંદીપ પરીખે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં સરકાર જીએસટી નંબર ઇશ્યૂ કરશે આ માટે પાન નંબર, ઇ-મેઇલ, અને એક મોઇબાઇલ નંબરની જરૂર પડશે માટે દરેક ડીલર-વેપારીએ આ વિગતો આપવી પડશે. જો વેપારી દ્વારા આ માહિતી અપડેટ કરવામાં નહીં આવે તો વેપારી ઇ-સર્વિસનો ઉપયોગ કરી શકશે નહીં. જોકે વેપારીને તેની માહિતી અપડેટ કરવા માટે પૂરતો સમય અપાયો છે.

વેટનું ફોર્મ, વેટ-ટીન રજિસ્ટ્રેશન નંબરથી લઇને રિફંડ મેળવવા સુધીનું દરેક કામ ઓનલાઇનથી થાય છે. જો ઇ-સર્વિસ બંધ થાય તો વેપારીને નુકસાન થાય તેથી વેપારીઓએ આ માહિતી અપડેટ કરતા કરેકશન સમયસર કરી લેવાં પડશે.

You might also like