વેટ ડિપાર્ટમેન્ટની મનમાની સામે ટ્રેડર્સ ફેડરેશને આંદોલન છેડ્યું

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાછલા કેટલાક સમયથી કાયદા અને નિયમોને નેવે મૂકી મનઘડંત અર્થઘટન કરે છે. તેનો ભોગ રાજ્યના વેપાર-ઉદ્યોગને બનવું પડે છે. ડિપાર્ટમેન્ટ વેટના રિફંડ આપવાની બાબતમાં પણ ઢીલી નીતિ અપનાવી રહ્યો છે ત્યારે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને વેટ ડિપાર્ટમેન્ટ સામે આંદોલન છેડવાની જાહેરાત કરી છે, જેને જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિએ પણ ટેકો જાહેર કર્યો છે.

ટ્રેડર્સ ફેડરેશનના કહેવા પ્રમાણે આકારણી અને રિફંડના પ્રશ્નોને લઇને રાજ્યના પ્રામાણિક કરદાતાને તેનો ભોગ બનવું પડી રહ્યું છે, જેને લઇને એસોસિયેશને લડત આપવાનું નક્કી કર્યું છે. આગામી સોમવારે રાજ્યના ટ્રેડર્સ એસોસિયેશન સાથે સંકળાયેલા પદાધિકારાઓ સહિત રાજ્યના વેપાર-ઉદ્યોગના અગ્રણીઓની એક બેઠક મીઠાખળી લાયન્સ હોલ ખાતે સાંજે પાંચ વાગ્યે રાખવામાં આવી છે, જેમાં વેટ ડિપાર્ટમેન્ટ સાથે આંદોલનની ભાવિ રણનીતિ ઘડી કાઢવામાં આવશે.

આ અંગે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે વેટ ડિપાર્ટમેન્ટની નીતિરીતિ સામે સોમવારે એક બેઠક મળી રહી છે, જેમાં આંદોલનની ભાવિ રણનીતિ ઘડી કાઢવામાં આવશે. તેમણે ટેક્સ પ્રેક્ટિશનર્સની બુધવારે યોજાનાર રેલીને પણ ટેકો જાહેર કર્યો છે.

You might also like