વેટ વિભાગનું સોફ્ટવેર એક વર્ષ અાગળ દોડે છે!

અમદાવાદ: વેટ વિભાગમાં ઓનલાઇન પેમેન્ટમાં અવારનવાર થતાં ધાંધિયાંને કારણે વેપારીઓ પરેશાન થઇ રહ્યા છે. વેપારી જ્યારે ચલણ દ્વારા ઇ-પેમેન્ટ કરે ત્યારે વર્ષ ર૦૧૭માં પેમેન્ટ થયાનું સ્વીકારાય છે.  વારંવાર ઓનલાઇન પેમેન્ટમાં ઊભા થતા છબરડાના કારણે ર૦૧૭ના વર્ષ ઉપરાંત જ નહીં કયારેક પેમેન્ટ એક્સેપ્ટ થાય ત્યારે પણ સોફટવેરમાં રહેલી ખામીને કારણે ૨૦૧૫નું વર્ષ પણ આવે છે. સામાન્ય રીતે જે તે માસની રર તારીખ સુધીમાં ઓનલાઇન પેમેન્ટ વેપારીએ કરી દેવાનું હોય છે.

પરંતુ પેમેન્ટમાં ફયૂચર ડેટ બતાવવામાં આવે તો ચકાસણી સમયે જે તે માલનું પેમેન્ટ સમયસર ન કર્યું હોવાના મુદ્દે વેપારીનો માલ ચેકપોસ્ટ પર અટકી પડશે. વેટ કન્સલ્ટન્ટ ગિરિન ઠાકોરના જણાવ્યા મુજબ દરેક વેપારી ઓનલાઇન પેમેન્ટ પછી પેમેન્ટ એક્સેપ્ટ થાય પછી વેબસાઇટ ચેક કરે જ તેવું બનતું નથી. સામાન્ય માણસને આવી ખબર ન પણ પડે તેવું બને. મોટા ભાગે કન્સલ્ટન્ટ આ ચકાસણી કરે પરંતુ જો આવી રીતે સોફટવેર પ્રોબ્લેબથી ફયૂચર ડેટ બતાવવામાં આવે તો બે વર્ષ પછી એસેસમેન્ટ સમયે વ્યાજ ડિફરન્સ ભરવાનો આવે જે વેપારી માટે વધારાનો બોજો સાબિત થાય.

વગર વાંકે ઇ પેમેન્ટના મુદ્દે દંડાઇ રહેલા વેપારીઅોઅે વેટ કમિશનર પી.ડી. વાઘેલાને ઉગ્ર રજૂઅાત કરી હતી. જેના પગલે હાલમાં ઇપેમેન્ટ સિસ્ટમની સાથે સાઈડમાં એક નાના બોક્ષમાં સૂચના મૂકવામાં અાવી છે કે પેમેન્ટને લગતી તકલીફ કે મદદ માટે જાણ કરવી. પરંતુ ઇપેમેન્ટમાં અાવા થઈ રહેલા છબરડા ક્યારે દૂર થશે તે અંગે કોઈ ખુલાસો કરવામાં અાવ્યો નથી.

You might also like