વેટ વિભાગે રજિસ્ટ્રેશન માટે જૂની સિસ્ટમ બંધ કરતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ: રાજ્યમાં કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે રજિસ્ટ્રેશન નંબર લેવાની સિસ્ટમ ગઇ કાલથી અચાનક બંધ કરી દેતાં નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવા વેપારીઓ ફાંફે ચઢ્યા છે, જોકે વિભાગે નવા રજિસ્ટ્રેશન નંબર લેવા અંગે તાત્કાલિક અસરથી નવી સિસ્ટમ અમલી બનાવી છે, પરંતુ આ સિસ્ટમ અંગે ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારીઓથી લઇને વેપારીઓ અને વેટ પ્રેક્ટિસનર્સ પણ અજાણ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. વેપારીઓ તથા વેટ પ્રેક્ટિસનર્સ દ્વારા એવી માગ ઊઠી છે કે જૂની સિસ્ટમના સ્થાને વિભાગે ગઇ કાલથી અચાનક નવા રજિસ્ટ્રેશન મેળવવા નવી સિસ્ટમ દાખલ કરતાં અગાઉ બેથી ત્રણ મહિનાનો સમયગાળો રાખવો જોઇએ, જેના કારણે વેપારીઓ અને વેટ પ્રેક્ટિસનર્સ આ નવી સિસ્ટમને સમજી શકે.

વેટના નવા રજિસ્ટ્રેશન નંબર માટે જૂની સિસ્ટમ અંતર્ગત ઓનલાઇન નવા રજિસ્ટ્રેશન નંબરનાં ફોર્મ ભરાયાં બાદ અરજીકર્તાના ધંધાના સ્થળના પુરાવા, ડાયરેક્ટરની વિગતો, બેન્કની વિગતો સહિત જરૂરી દસ્તાવેજોનું વિભાગના અધિકારી દ્વારા ફિજિકલ વેરિફિકેશન થાય તથા ઓરિજિનલ દસ્તાવેજ સાથે પણ ક્રોસ વેરિફિકેશન થાય.
ત્યાર બાદ સ્થળ તપાસ કરાય અને તમામ પ્રોસિજરમાં ખરાઇ ઊતરે ત્યાર બાદ નવા નંબર આપવામાં આવતા હતા, પરંતુ ગઇ કાલથી અચાનક આ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે, જોકે તેના સ્થાને નવી સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે.

વેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ફાંફે ચઢ્યા
વિભાગે તાત્કાલિક અસરથી ગઈ કાલે વેટના નવા નંબર લેવા માટે નવી સિસ્ટમ અમલી બનાવતાં વેટના ઉચ્ચ અધિકારીઓ પણ આ સિસ્ટમ અંગે અજાણ હોવાના કારણે ફાંફે ચઢ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વેટના નવા રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે નવા ટેમ્પલેટ અંગે તેઓ તદ્દન અજાણ છે.

You might also like