વેટ વિભાગે GST પૂર્વે ૨૦ હજારથી વધુ વેપારીઓને એસેસમેન્ટ નોટિસ ફટકારી

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે ૩૪-૮એ અન્વયે ૨૦૦૮-૦૯થી ઈશ્યૂ બેઝ એસેસમેન્ટ નોટિસો ફટકારી છે. રાજ્યભરમાં એક અંદાજ મુજબ જીએસટી આવે તે પૂર્વે રાજ્યના ૨૦ હજાર વેપારીઓને આ નોટિસો ફટકારવામાં આવી હોવાની માહિતી બહાર આવી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના ૮ હજાર વેપારીને આવી નોટિસ ફટકારાઇ છે. પાછલી તારીખથી જે વેપારીનો નંબર કેન્સલ થયો હોય અને આ તારીખથી વેપારીનો અન્ય જે વેપારીએ માલ ખરીદ કર્યો હોય તેવા વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી છે.

કાયદામાં છ વર્ષનો રેકોર્ડ રાખવાનું પ્રોવિઝન છે એટલે કે વેપારીએ ૨૦૧૦ પછીના રેકોર્ડ રાખવાના રહે છે, પરંતુ હાલ વર્ષ ૨૦૦૮-૦૯ના જૂના રેકોર્ડના આધારે ડિપાર્ટમેન્ટે નોટિસો કાઢતાં વેપારીઓમાં અસંતોષ વ્યાપી ગયો છે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૨૦૦૮-૦૯થી નોટિસો કાઢી છે, જ્યારે વેટ કાયદામાં આ કલમનો ઉમેરો ૧ એપ્રિલ, ૨૦૧૩થી કરવામાં આવ્યો છે એટલે કે આ તારીખ પછીના નાણાકીય વ્યવહારોનો અમલ થવો જોઇએ. દરમિયાન કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આગામી ૧ જુલાઇથી જીએસટી આવી રહ્યો છે અને જુલાઇ પહેલાં તમામ બાકી પેન્ડિંગ રિકવરી સહિત વેપારીઓના કાયદાકીય એસેસમેન્ટ સંબંધી પ્રશ્નનો ઉકેલ આવે તે માટે ડિપાર્ટમેન્ટે મોટા પાયે ઓપરેશન હાથ ધર્યું છે, જેને લઇને કોમર્શિયલ ટેક્સ ઓફિસર ઘટકમાં એક હજારથી વધુ નોટિસો  કાઢી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે.
http://sambhaavnews.com/

You might also like