વેટ વિભાગે અમદાવાદના વેપારીના ૩૦૦ રજિસ્ટ્રેશન નંબર રદ કર્યા

અમદાવાદ, ગુરુવાર
કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે અમદાવાદ ડિવિઝન-૧ અને બેમાં ૩૦૦થી વધુ રજિસ્ટ્રેશન નંબર એક યા બીજું કારણ આગળ ધરી રદ કરી દીધાં છે.
ડિપાર્ટમેન્ટના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સામાન્ય રીતે ઓનલાઇન અરજી કરનારને ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન નંબર જનરેટ કરી દેવાના હોય છે અને ત્યાર બાદ સાત દિવસમાં અધિકારીએ સ્પોટ વિઝિટ કરવાની હોય છે. આ વિઝિટ દરમિયાન પાર્ટીએ રજૂ કરેલા પુરાવામાં જો અધૂરી કે ખોટી વિગતો હોય તો આ ખૂટતી વિગતો અંગે રજિસ્ટ્રેશન નંબર લેનારને પુરાવો રજૂ કરવા માટે વધુ તક આપવામાં આવે છે, પરંતુ અમદાવાદ ડિવિઝન-૧માં એક યા બીજું કારણ આગળ ધરી ૨૫૦થી ૩૦૦ નવા રજિસ્ટ્રેશન નંબર રદ કરી દીધા છે.
એટલું જ નહીં અમદાવાદ ડિવિઝન-૧માં ફેબ્રુઆરી મહિનાના અંતથી પાછલાં ૧૦ દિવસમાં કોઇ પણ નવા રજિસ્ટ્રેશન નંબર જનરેટ થયા નથી અને તેના કારણે વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કલમ-૨૨ હેઠળ નવો રજિસ્ટ્રેશન નંબર લેવા માટે રૂ. ૨૫,૦૦૦ એડ્વાન્સ વેટ ભરવો પડે છે એટલું જ નહીં કલમ-૨૮ અન્વયે જામીનગીરીના રૂ. ૧૦ હજાર તથા રૂ. ૧૦ હજાર સીએસટી નંબર માટે ચૂકવવાના થાય છે. આમ, કુલ રૂ. ૪૫ હજાર નવા નંબર માટે પાર્ટીએ ભરવાના થાય.
અધિકારી દ્વારા જ્યારે આ નંબરો અપૂરતા પુરાવાના કારણે રદ કરી નાખવામાં આવે છે ત્યારે વેપારીઓને આ નાણાં પાછા મેળવવામાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં સ્પેશિયલ રજિસ્ટ્રેશન યુનિટ-એસઆરયુ દ્વારા નંબર રદ થતાં ટેક્સ પ્રેક્ટિશનર્સ સહિત વેપારીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. ટેક્સ બાર એસોસિયેશનના અગ્રણી પ્રેક્ટિશનરે નામ ન દેવાની શરતે જણાવ્યું કે અપૂરતા પુરાવા માટે વેપારીને તક અાપવામાં આવે છે, પરંતુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની નીતિરીતિ અપનાવાઇ નથી, જેના કારણે તેમના નંબર કેન્સલ કરાયા છે.
http://sambhaavnews.com/

You might also like