વેટ અને CST નંબર સહિત તમામ લાઈસન્સ એક જ પોર્ટલ પરથી

અમદાવાદ: પાછલા મહિનામાં કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વેટના બોગસ નંબર અપાઇ ગયા બાદ આ નંબર ઉપર કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું હતું તથા આ નંબરના આધારે વેટનાં મોટાં રિફંડ પણ ચૂકવાઇ ગયાં હતાં, જેના પગલે ડિપાર્ટમેન્ટ સખત બન્યું છે તથા વેટના નવા નંબર મેળવવા માટે નવી પારદર્શિતા સિસ્ટમ અમલી બનાવી છે.

જાણકારો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કોમર્શિયલ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ ઉપર ઇ સર્વિસીસ પર ઇ રજિસ્ટ્રેશન સાઇન અપની લિંક પર ક્લિક કરવાનું રહેશે, જેના ઉપર ક્લિક કરતાં ઇન્વેસ્ટર ફેસિલેશન પોર્ટલ-Investor Facilitation Portal-IFP પર જવાશે. એ જ પ્રમાણે વેપારી સીધા IPF પોર્ટલ ઉપર પણ જઇ શકશે. વેપારીએ આઇએફપી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન હિયરની ઉપર લિંક પર ક્લિક કરવાનું રહેશે.

વેપારી અહીં પોતાના કારોબારની સામાન્ય માહિતી ભરી આઇએફપી પોર્ટલની રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને અનુસરશે, જ્યાંથી એક આઇડી મળશે. આ આઇડી ઉપરથી વેપારીને લોગઇન થઇને પ્રોજેક્ટની માહિતી ભરવાની રહેશે.  પ્રોજેક્ટ ડિટેઇલ લિંક હેઠળ વેટ અને સીએસટી રજિસ્ટ્રેશન બાબતે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે.

પ્રોજેક્ટ ડિટેઇલની લિંક પર ક્લિક કરતાં રિક્વાયર્ડ એપ્રૂવલ્સ લિંક પર જતાં એપ્રૂવલ લિંકનું લિસ્ટ ઓપન થશે, જેમાં વેટ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટે ઇ પેમેન્ટથી પ્રક્રિયા પૂરી કરી જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.

વેટનાં નવાં રજિસ્ટ્રેશન તથા અન્ય લાઈસન્સ એક જ પોર્ટલ ઉપરથી ઉપલબ્ધ થશે
• વેટનો નવો નંબર લેવા માટે રજિસ્ટ્રેશન
• સેન્ટ્રલ સેલ્સટેક્સ માટેનું રજિસ્ટ્રેશન
• ફેક્ટરી લાઈસન્સ
• કોન્ટ્રાક્ટ લેબરનું લાઈસન્સ
• બાઈલર માટેનું રજિસ્ટ્રેશન
• બોઈલર માટેનું એનઓસી
• પ્રોફેશનલ ટેક્સ માટેનું રજિસ્ટ્રેશન
• શોપ્સ અને એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું રજિસ્ટ્રેશન
• પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ માટેનું રજિસ્ટ્રેશન

વાઈબ્રન્ટ અને જીએસટીની તૈયારીઓ!
આગામી જાન્યુઆરી મહિનામાં વાઈબ્રનટ ગુજરાત આવી રહ્યું છે. તે પૂર્વે રાજ્ય બહારના તથા વિદેશી કારોબારીઓને સરળતા રહે તે માટે એક જ પ્લેટફોર્મ પરથી કારોબાર અંતર્ગત લાઇસન્સ મળી રહે તે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સિસ્ટમને કેટલાક કન્સલ્ટન્ટ જીએસટીની તૈયારીના ભાગરૂપે માને છે.

વેપારીઓની મુશ્કેલી હળવી કરવા માટે ટોલ ફ્રી નંબર
એક જ પોર્ટલ ઉપરથી વેપારીઓને અનેક પ્રકારના કારોબાર અંતર્ગત મેળવવાના થતા લાઇસન્સ માટે નવી બનાવેલી સિસ્ટમના કારણે વેપારીઓને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુશ્કેલીઓ હળવી કરવા ટોલ ફ્રી નંબરની વ્યવસ્થા ઊભી કરાઇ છે. વન સ્ટોપ ઇન્વેસ્ટર્સ સોલ્યુશન હેઠળ ઊભી કરાયેલી વ્યવસ્થા માટે સવારના આઠ કલાકથી સાંજના આઠ કલાક સુધીમાં ૧૮૦૦૨૩૩૧૮૪૭ ટોલ ફ્રી નંબર પરથી ફોન કરી શકાશે.

You might also like