વેટના બોગસ બિલિંગના કરોડોના કૌભાંડમાં આસિફ ફારુકી સહિત બે સામે ગુનો દાખલ કરાયો

અમદાવાદ: રાજ્યની કોર્મશિયલ ટેક્સની વેબસાઇટ પર ઓટો ફોર્મ અપલોર્ડ કરી કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડનો રાજ્યના વેટ વિભાગે પર્દાફાશ કર્યો છે. વેટ વિભાગે આ મામલે આસિફ ફારુકી અને અલી ફારુકી વિરુદ્ધમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને મૂલ્ય અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલીક ખોટી પેઢીઓનાં ટિન નંબર મેળવી અને રાજ્યના કોમર્શિયલ ટેક્સની વેબસાઇટ પર ખોટાં પત્રક રજૂ કરી બોગસ બિલિંગ થતું હોવાની માહિતી વેટ વિભાગને મળી હતી જેના આધારે વેટ વિભાગે તપાસ કરતાં આશ્રમરોડ પર આવેલા એમ્બેસી માર્કેટમાં દરોડો પાડતાં આસિફ ફારુકી ઉર્ફે આસિફ બંગાળી (રહે.કુતુબનગર, વટવા) અને અન્ય માણસો મળી આવ્યા હતા. વેટ વિભાગને અલગ સંખ્યાબંધ પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ ફોટા અને રબર સ્ટેમ્પ વગેરે સાહિત્ય મળી આવ્યું હતું.

આસિફ બંગાળી અને સાગરીતો કમ્પ્યૂટરમાં પુરાવા થકી વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી ટિન નંબર મેળવી બોગસ બિલિંગનું કૌભાંડ આચરતા હતા. અલગ અલગ પેઢીઓના નામે ફોર્મ જનરેટ કરી કરોડો રૂપિયાની વેટ ચોરીની પણ આંશકા સેવાઇ રહી છે. વેટ વિભાગની ફરિયાદ મુજબ આરોપીઓએ જુદી જુદી પેઢીઓનાં ટિન નંબર ઉપયોગ કરી માલની લેવડ દેવડ વિના વેચાણ બિલ ઇસ્યુ કરી કરોડોનાં બિલિંગની પ્રવૃત્તિ કરી છે.

તપાસ દરમ્યાન મની લોન્ડરિંગ અને હવાલાઓની પણ શકયતા વેટ વિભાગે વ્યક્ત કરી છે. દરેક બેંકના ખાતાનાં નાણાકીય વ્યવહારો અને ફાઇનાન્શિયલ ફલોની તપાસ કરવા અંગે પોલીસને જણાવાયું છે. હાલ પોલીસ આ અંગે તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like