વેટ બાર એસોસિયેશન દ્વારા નાણાપ્રધાનને આકારણીનો પરિપત્ર પાછો ખેંચવા માગ

અમદાવાદ: ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશને કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર દ્વારા ફેબ્રુઆરીના અંતે કરાયેલા પરિપત્રને વખોડી કાઢી આ પરિપત્ર વેટના કાયદાની વિરુદ્ધમાં હોવાનું જણાવી રાજ્યના નાણાપ્રધાનને પણ આ પરિપત્રને પાછો ખેંચવા માટેની રજૂઆત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે આકારણી વર્ષ ૨૦૧૩-૧૪ માટે ઓડિટ આકારણીના કેસો માત્ર એક જ મહિનામાં એટલે કે ૩૧ માર્ચ, ૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરી દેવાના તાત્કાલિક અસરથી કમિશનર દ્વારા સરક્યુલર જારી કરી કોમર્શિયલ ટેક્સ ઓફિસરોને આદેશો આપવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ અંગે ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે મસલત કર્યા સિવાય કમિશનર દ્વારા એકતરફી નિર્ણય લેવાયો હોવાની વિગતો પણ બહાર આવી છે.

દરમિયાન કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ એસોસિયેશન દ્વારા પણ હાલ એક અધિકારીને બે-ત્રણ ચાર્જિસ છે. એટલું જ નહીં ૪૦થી ૫૦ ટકા જેટલો ઓછો સ્ટાફ છે. આવા સંજોગોમાં માત્ર એક જ મહિનાના સમયગાળામાં નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ની એસેસમેન્ટની કાર્યવાહી પૂર્ણ કરવાના કમિશનરના આદેશો સામે હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

ઉલ્લેખનીય છે કે કમિશનરના આ આદેશોને વ્યાપક પ્રમાણમાં વિરોધ થઇ રહ્યો છે. અગાઉ વેપારીઓ દ્વારા વિરોધ નોંધાયા બાદ કોમર્શિયલ ટેક્સ ઓફિસર દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં હવે વેટ પ્રેક્ટિસનર્સે પણ વિરોધ નોંધાવી નાણાપ્રધાનને આ અંગે વિગતવાર રજૂઆત કરી છે અને કોમર્શિટલ ટેક્સ ડિપાર્ટમેન્ટના પરિપત્રને પાછો ખેંચવાની માગ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like