પેટ્રોલ-ડીઝલ પરના વેટ-સેસના દરમાં વધારા સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે

અમદાવાદ: મોંઘવારી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં બેફામ ભાવ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવવું દોહ્યલું બની ગયું છે તેવા સંજોગોમાં રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપરની વેટ અને સેસના દરમાં ચાર ટકા જેટલો આકરો ભાવ વધારો ઝીંક્યો છે.

જેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી તા. ૮મીએ જિલ્લા મથકે અને તા. ૧૧મીએ તાલુકા મથકોએ ધરણાં, પૂતળાદહન અને આવેદન પત્ર આપી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમોનું આયોજન કરાયું છે તેમ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારીના માર, જીવન જરૃરિયાત વાળી વસ્તુઓના બેફામ ભાવ વધારો, ગરીબમધ્યમ વર્ગ માટે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ત્યારે, સમગ્ર રાજયમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસ વધારો તાકીદે પાછો ખેંચે તે માટે કોંગ્રેસ દ્વારાર ધરણાં, પૂતળાદહન, આવેદનપત્ર સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં અચ્છે દિનના વાયદા બહુત હુઈ મહંગાઈ કી માર અબકી બાર…. જેવા સૂત્રો પોકારી ખોબે ખોબે મત મેળવીને સત્તામાં આવ્યા બાદ ભાજપ સરકાર દેશના નાગરિકોને મોંઘવારીનો બેફામ માર આપી રહી છે. અધુરાંમાં પુરું ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ પર એક ટકા વેટનો દર અને ૨ ટકા સેસનો વધારો કરેલ છે.

જયારે ડીઝલ પર વેટના દર ૩ ટકા વધારો ઝીંકી દીધો છે. પરિણામે અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારો અને મોંઘવારીમાં ઉમેરો થશે. આ ભાવ વધારો તાકીદે પરત ખેંચવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૮મી જાન્યુ.ના રોજ ૩૩ જિલ્લા મથકોએ અને તા. ૧૧ જાન્યુઆરીના રોજ ૨૩૦ તાલુકામથકોએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઉપર લગાડાયેલો વેટ અને સેસનો વધારો પાછો ખેંચવાની માંગણી સાથેના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાઈને ભાજપ સરકારની સામાન્યમધ્યમવર્ગ વિરોધી નિતીનો સખત વિરોધ કરશે.

You might also like