‘વસુંધરાને આરામ આપો, તે બહુ જાડી થઈ ગઈ છે’: શરદ યાદવનું વિવાદાસ્પદ નિવેદન

અલવર: બિહારના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ યાદવે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટેની એક રેલી દરમિયાન અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતાં મોટો હોબાળો થયો છે. શરદ યાદવે મુખ્યપ્રધાન વસુંધરા રાજેનું અપમાન કરતી ટિપ્પણી કરી હતી. અલવરમાં આયોજિત એક ચૂંટણીસભા દરમિયાન શરદ યાદવે જણાવ્યું કે, ‘વસુંધરાને આરામ આપો, તે ખૂબ થાકી ગઈ છે. બહુ જાડી થઈ ગઈ છે. પહેલાં તે પાતળી હતી. અમારા મધ્યપ્રદેશની દીકરી છે.‘

શરદ યાદવ અલવરની મુંડાવર બેઠક પર કોંગ્રેસ ગઠબંધનના એક ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ ચૂંટણીસભાનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો થયો છે. વસુંધરા રાજેએ શરદ યાદવના આ નિવેદનથી વ્યથિત થઈને જણાવ્યું છે કે શરદ યાદવે ફક્ત મારું અપમાન નથી કર્યું, પરંતુ તેમણે તમામ મહિલાઓનું અપમાન કર્યું છે. તેમણે ચૂંટણીપંચને પણ શરદ યાદવ સામે કાર્યવાહી કરવા અને એક ઉદાહરણ પૂરું પાડવાની અપીલ કરી છે.

આજે સવારે મતદાન કરવા પહોંચેલા વસુંધરા રાજેએ જણાવ્યું કે, હું ખૂબ દુખી અને વ્યથિત છું. આ મારું જ નહીં પણ તમામ મહિલાઓનું અપમાન છે. આજના યુવાનો શરદજી જેવા નેતાઓને અનુસરે છે. મને તેમના જેવા વરિષ્ઠ નેતા પાસેથી આવા વાહિયાત નિવેદનની અપેક્ષા  ન હતી. હું આ નિવેદનથી ખૂબ અપમાનિત થઈ છું. મને આશા છે કે ચૂંટણીપંચ આ નિવેદનની ગંભીર નોંધ લઈને કડક કાર્યવાહી કરશે અને એક ઉદાહરણ પ્રસ્તુત કરશે.

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અલવરમાં શરદ યાદવે કરેલા બફાટથી વસુંધરા રાજેને લોકોની સહાનુભૂતિ અને મત મળે છે કે નહીં તે આવનારો સમય બતાવશે પણ હાલમાં જેડીયુના પૂર્વ વરિષ્ઠ નેતાના નિવેદનની ચોમેરથી આકરી ટીકાઓ થઈ રહી છે. ભાષાનો સંયમ ગુમાવીને શરદ યાદવે કરેલા નિવેદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેમની ઉપર યુવાનો અને મહિલાઓએ જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે.

વિવાદ વધ્યા બાદ જોકે શરદ યાદવે સ્પષ્ટતા આપી હતી કે મેં આ વાત મજાકમાં કરી હતી. મારો વસુંધરા સાથેનો જૂનો સંબંધ છે. મારું નિવેદન કોઈ પ્રકારે અપમાનજનક નથી. તેમને દુઃખ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો ન હતો. જ્યારે હું વસુંધરાને મળ્યો ત્યારે પણ મેં તેને કહ્યું હતું કે વજન બહુ વધી ગયું છે.

You might also like