અધિકારીઓની અસંવેદનશીલતા અને ક્ષુદ્ર રાજનીતિ, પરાજય માટે જવાબદારઃ વસુંધરા

જયપુર, ગુરુવાર
રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સે‌િમફાઈનલ ગણાતી અજમેર અને અલવરની લોકસભાની બે બેઠક અને માનગઢ વિધાનસભાની બેઠક પર શાસક પક્ષ ભાજપના થયેલા કારમા પરાજય પર આખરે રાજસ્થાનનાં મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ ખામોશી તોડી છે.

પેટાચૂંટણીમાં પરાજય પાછળનાં કારણો અંગે વાત કરતાં વસુંધરા રાજેએ જણાવ્યું હતું કે હજુ અમે પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યાં છીએ, પરંતુ વિરોધ પક્ષો દ્વારા આચરવામાં આવેલ નીચલા સ્તરની ક્ષુદ્ર રાજનીતિ, વર્તમાન વિધાનસભ્ય વિરુદ્ધ સત્તા વિરોધી પરિબળ, જનસેવાઓના કેસમાં ફિલ્ડમાં તહેનાત અધિકારીઓની અસંવેદનશીલતા અને બેદરકારી જેવાં પરિબળો પેટાચૂંટણીમાં નબળા દેખાવ માટેનાં પ્રાથમિક કારણ હોય એવું લાગે છે. કેટલાક વિસ્તારમાં પ્રજા સાથે જોડાણ અને આત્મીયતાનો પણ અભાવ હતો.

વસુંધરા રાજેએ ક્ષુદ્ર નીતિ અંગે વિસ્તારથી વાત કરતાં જણાવ્યું હતું કે જેમ કે અગડી જાતિઓ, જેમણે સમાજ માટે મિસાલ બનવી જોઈએ, તેઓ કેટલાક મુદ્દાને લઈને કડક વલણ અપનાવી રહી છે. શું વિકાસ માટે આ યોગ્ય છે? વિરોધ પક્ષોએ પોતાના તત્કાળ લાભ માટે તેમની લાગણીઓને હવા ભરી હતી, આ યોગ્ય રાજનીતિ નથી.

વસુંધરા રાજેએ પ્રજા સાથેના જોડાણ અને સંપર્કના અભાવ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે પક્ષના વિધાનસભ્ય અને અધિકારીઓ બંનેએ પ્રજા સાથે ઘરોબો કેળવવાની અને વધારવાની જરૂર છે. સરકારી અધિકારીઓ ખાસ કરીને જેઓ ફિલ્ડમાં કામ કરે છે અને જનતા સાથે સીધા સંપર્કમાં છે તેઓ નાગરિકો સાથે યોગ્ય રીતે સંવાદ સ્થાપિત કરતા નથી. કલેક્ટર, બીડીઓ, એસડીઓ અને પોલીસે પ્રજાની ફરિયાદો પ્રત્યે પૂરતા પ્રમાણમાં સંવેદનશીલ બનવાની જરૂર છે.

You might also like