Ahmedabad: વસ્ત્રાપુરનો ૪૦૦ મીટરનો રસ્તો હવે ‘ચકાચક’ બનાવી દેવાશે!

અમદાવાદ: નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુર ગામથી આઇઆઇએમ બ્રિજના છેડા સુધીના આશરે ૪૦૦ મીટર લાંબા દબાણગ્રસ્ત રસ્તાને મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ખુલ્લો કરાયા બાદ હવે આ રસ્તાને આરસીસીનો બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વસ્ત્રાપુર પાસે આઇઆઇએમ ફલાય ઓવરબ્રિજના નિર્માણ પછી પણ આઇઆઇએમ બ્રિજના વસ્ત્રાપુર છેડા તરફના ભાગે સાંકડા રસ્તાથી ટ્રાફિક જામની સમસ્યા ઉકેલાઇ ન હતી. અગાઉ આશરે ૪૦૦ મીટર લંબાઇના અસમતોલ પહોળાઇ ધરાવતા આ રસ્તાને એક સરખો ૧ર૦ ફૂટ પહોળો કરવાનો હતો તેની સામે વ્યાપક વિરોધ ઉઠતા ગત જૂન, ર૦૧૭માં આ બોટલનેક રસ્તાને ૧ર૦ ફૂટને બદલે ૭૦ ફૂટનો કરવાનો તંત્રે નિર્ણય કરતાં કુલ ૧ર૩ દુકાન અસરગ્રસ્ત થતી હતી.

જોકે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની સમજાવટથી ૧૪ દુકાનના કબજેદાર સિવાયના અન્ય દબાણગ્રસ્તોએ એક દોઢ મહિનામાં સ્વેચ્છાએ હટાવી લીધાં હતાં. ૧૪ દુકાનદારોનો મામલો કોર્ટમાં જતાં ગત તા.૧૭ એપ્રિલે કોર્ટમાંથી નોટિસ ઓફ મોશન નીકળતાંની સાથે તંત્ર હરકતમાં આવ્યું હતું અને તે જ દિવસે બપોરે બે કલાકના સમયગાળામાં એસ્ટેટ વિભાગની ટીમે બે જેસીબી લઇને તમામ દુકાનનાં દબાણને દૂર કર્યાં હતાં. આ કામગીરી દરમ્યાન અસરગ્રસ્તોને માલ-સામાન ખસેડવાનો પણ સમય અપાયો હતો.

છેલ્લા દસ દિવસથી સમગ્ર રસ્તો દબાણમુક્ત બન્યો હોઇ આગળની કાર્યવાહીના ભાગરૂપે ખુલ્લા મુકાયેલા રસ્તાના ડામરીકરણ માટેની શરૂઆતમાં તંત્રે વિચારણા હાથ ધરી હતી. આ રસ્તાને આરસીસી બનાવવાનો નિર્ણય લેવાયો હોઇ તે માટેના ટેન્ડર પણ નીકળી ચૂક્યાં છે.

વસ્ત્રાપુર ગામથી આઇઆઇએમ બ્રિજ સુધીના ૪૦૦ મીટર લાંબા આ રસ્તાને ડામરને બદલે આરસીસીનો બનાવવા પાછળનું એક મુખ્ય કારણ અહીંયાં ભરાતાં વરસાદી પાણી પણ છે. વરસાદી પાણી ભરાવવાનાં કારણે ડામરનાં પાણી સાથેનાં વેરથી રસ્તો તૂટવાની શક્યતા વધુ રહેતી હોઇ સત્તાવાળાઓ નાગરિકોને કાયમી રાહત આપવા આરસીસી રોડ બનાવવાના છે. જેની પાછળ આશરે રૂ.એક કરોડનો ખર્ચ થશે અને ચારથી પાંચ મહિનામાં આરસીસી રોડ તૈયાર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ત્રણ વર્ષ અગાઉ એસજી હાઇવે પરના પકવાન ચાર રસ્તાથી સિંધુ ભવન સુધીના ત્રણ કિ.મી. લાંબા રસ્તાને આરસીસીનો બનાવાયો હતો. તંત્રે ઘાટલોડિયાના પ્રભાત ચોક વિસ્તારમાં તેમજ નરોડા જીઆઇડીસી વિસ્તારમાં પણ આરસીસી રોડ બનાવ્યો છે.

આરસીસીનો રસ્તો નિર્માણની દૃષ્ટિએ ડામરના રસ્તા કરતાં વધુ ખર્ચાળ છે, પરંતુ તે સહેજે ૩૦થી ૩પ વર્ષ સુધી ટકતો હોઇ વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બને છે. હવે તો મ્યુનિસિપલ સત્તાધીશોએ જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં હોય તેવા વિસ્તારના રસ્તાનું આરસીસી કરાવવા લીધું છે.

વસ્ત્રાપુર રસ્તાને આરસીસીનો બનાવવાનો નિર્ણય પણ આ નીતિ અંતર્ગત છે. ચાલુ વર્ષના બજેટમાં વરસાદી પાણી ભરાતા હોય તેવા વિસ્તારમાં વધુ પાંચથી છ રસ્તાને અારસીસીના બનાવવાની દરખાસ્ત કમિશનર મુકેશકુમાર દ્વારા મુકાઈ છે.

આ અંગે રોડ પ્રોજેકટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મૂકેશ ગઢવીને પૂછતાં તેઓ કહે છે, તંત્રએ અહીં ભરાતાં વરસાદી પાણીના કારણે આરસીસીનો રોડ બનાવવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

You might also like