વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ-રાઇટરની ધરપકડ

અમદાવાદ: વસ્ત્રાપુર વિસ્તારમાં મહિલા ડિઝાઈનરની ઓફિસના કમ્પ્યૂટરમાં ગેરકાયદે ફોન્ટ હોવાનું કહી કોપીરાઈટ ભંગનો કેસ નહીં કરવાના અને કમ્પ્યૂટર જમા નહિ લેવા રૂ. ૨.૨૫ લાખનાે તોડ કરવાના કેસમાં પોલીસે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા અને રાઈટરની ગત મોડી રાતે ધરપકડ કરી તેઓને જામીન પર મુક્ત કર્યા હતા.

બોડકદેવમાં રહેતાં ઈશાની શાહની ફરિયાદ મુજબ તેઓ વસ્ત્રાપુર વિસ્તારના મહાવીરનગર-2માં છેલ્લાં ૧૦ વર્ષથી ફેસ લાઈન સોડા ક્રિએટિવ્સ નામથી ડિઝાઈનર્સનો વ્યવસાય કરે છે. 28 જૂનના રોજ તેમની ઓફિસમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. જે. ચાવડા અને એ‌િન્ટપાઈરસી સ્કવોડના પિનાકિન પટેલ સ‌િહત પાંચ લોકો આવ્યા હતા અને તેમણે ઓફિસનાં કમ્પ્યૂટર ચેક કરી તેમના ફોન્ટ ગેરકાયદે હોવાનું કહી કેસ કરવાનું કહ્યું હતું.

કેસ નહીં કરવાના અને કમ્પ્યૂટર જમા નહિ લેવા તેમણે રૂ. ૨.૨૫ લાખમાં રૂપિયા પડાવ્યા હતા. ઈશાની શાહે પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરી વસ્ત્રાપુરના પીએસઆઈ કે. જે. ચાવડા અને ગુજરાત સ્ટેટ એન્ટિપાઈરસી સ્ક્વોડના હેડ પિના‌િકન પટેલ સહિત પાંચ જણા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે આ બાબતે તપાસ બાદ આરોપી પીએસઆઈ કે. જે. ચાવડા અને રાઈટર જેસંગભાઈ હમીરભાઇની ગત મોડી રાતે ધરપકડ કરી તેઓને જામીન પર મુક્ત કર્યા હતા.

You might also like