વસ્ત્રાપુરમાં ૧૨૯ મિલકત કપાતમાં અસરગ્રસ્તોને નોટિસ ફટકારાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓના અણઘડ આયોજનના કારણે શહેરની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ તો નથી આવ્યું, પરંતુ નવા-નવા બ્રિજ પ્રોજેકટ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ ઊલટાની ટ્રાફિક સમસ્યા વધુ જટિલ બની છે. આનું ઉત્તમ ઉદાહરણ આઇઆઇએમ બ્રિજે પૂરું પાડ્યું છે. આ બ્રિજના નિર્માણ પછી પણ વસ્ત્રાપુર ગામ તળના સાંકડા રસ્તાના કારણે પિકઅવર્સમાં વાહનચાલકોને આઇઆઇએમ બ્રિજથી વસ્ત્રાપુર લેક વચ્ચે આવતા-જતા નાકમાં દમ આવી રહ્યો છે. હવે તંત્ર આ સાંકડા રસ્તાને એકવીસ મીટર પહોળો કરવા જઇ રહ્યું હોઈ અત્યારે ૧૨૫ અસરગ્રસ્તોને નોટિસ ફટકારાઈ છે. તંત્ર કુલ ૬૦૦ અસરગ્રસ્તોને નોટિસ ફટકારશે. જે વાહનચાલકો માટે એક રાહતના સમાચાર છે.

આમ તો બોડકદેવ ટીપી સ્કીમ નંબર એક હેઠળના સીટી સર્વે નંબર ૩૮૪ અંતર્ગત વસ્ત્રાપુર ગામ તળનો આઇઆઇએમ બ્રિજથી વસ્ત્રાપુર લેક તરફ જતો રસ્તો વર્ષોથી એક અથવા બીજા પ્રકારના દબાણના કારણે સાંકડો બન્યો છે. મચ્છી બજારનું દબાણ ઘટવાને બદલે વધ્યું છે. જેના કારણે સમગ્ર રસ્તો વાહન ચાલકો માટે માથાના દુઃખાવારૂપ બન્યો છે. આઇઆઇએમ બ્રિજથી વસ્ત્રાપુર લેક સુધીનો આશરે ૩પ૦થી ૪૦૦ મીટર લાંબો રસ્તો દબાણોથી અમુક જગ્યાએ આઠ મીટર પહોળો તો ક્યાંય દસ મીટર પહોળો એવી વિચિત્ર સ્થિતિમાં મુકાયો છે.

જો કે ઔડાના રીડેવલપમેન્ટ પ્લાન- ર૦ર૧ હેઠળ આ રસ્તાને પ્રથમ તબક્કામાં ર૧ મીટર પહોળો કરવાનું આયોજન હાથ ધરાયું છે, જેને મ્યુનિસિપલ કમિશન મૂકેશકુમારે ગત તા.રપ જાન્યુઆરી, ર૦૧૭એ મંજૂરી અાપી છે. પ્રારંભમાં આ રોડલાઇન કપાત હેઠળ આવતા અસરગ્રસ્તોએ જાતે દબાણ દૂર કરીને રસ્તો ખુલ્લો કરીને આપવાની કોર્પોરેશનને ખાતરી આપી હતી. જેના કારણે સત્તાવાળાઓએ લાઇન દોરી કરીને આપી હતીઽ પરંતુ કેટલાંક કારણસર આ બાબતે આગળ વધી ન શકાતાં હવે સત્તાધીશો હરકતમાં આવ્યા છે.

ગત શુક્રવારથી નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા અસરગ્રસ્તોને બીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ ર૧ર (૧) મુજબ રસ્તો ખુલ્લો કરવાની જરૂર હોઇ જમીન સંપાદન કરવાને લગતી નોટિસ ફટકારાઇ રહી છે. અત્યાર સુધીમાં ૧રપ અસરગ્રસ્તોને નોટિસ અપાઇ ચૂકી હોઇ કુલ ૬૦૦ અસરગ્રસ્તોને નોટિસ ફટકારાશે. નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના ઇન્ચાર્જ વડા ચૈતન્ય શાહ કહે છે, આગામી તા.૩૧ માર્ચ સુધીમાં તમામ અસરગ્રસ્તોને ર૧ર (૧) હેઠળની નોટિસ ફટકારીને જે તે અસરગ્રસ્તો પાસેથી પંદર દિવસમાં વ્યક્તિગત વાંધા સૂચન મંગાવાશે. ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

કોર્પોરેશન દ્વારા ગત ઓક્ટોબર-ર૦૧૬માં આઇઆઇએમ બ્રિજથી વસ્ત્રાપુર લેક સુધીના રસ્તાને ર૧ મીટર પહોળો કરવાના સંદર્ભે અસરગ્રસ્તોને રોડ લાઇન કપાતને લગતી જાહેર નોટિસ આપી હતી. તે વખતે વાંધા સૂચનો મંગાવાઇને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયા હતા.

તંત્રની રોડ લાઇન કપાત હેઠળ જોગણી માતાનું મંદિર વેરાઇ માતાનું મંદિર, સિવિક સેન્ટર સહિત ૧૦ર કોમર્શિયલ મિલકતો, ૧પ રેસિડેન્શિયલ મિલકતો, કોર્પોરેશનનું ટોઇલેટ, એક ઇલેક્ટ્રિ સબ સ્ટેશન, એક સ્કૂલ, બે ઝૂંપડી અને પાંચ ખુલ્લી જગ્યા મળીને કુલ ૧ર૯ મિલકતની આશરે ર૦૩પ.૭૬ સ્કેવર મીટર જમીન ખુલ્લી કરાશે. જે તે અસરગ્રસ્તના વ્યક્તિગત વાંધાસૂચનને રિમાકર્સ સાથે સ્ટેન્ડિગ કમિટી સમક્ષ મુકાશેઽ જેમાં સ્ટેન્ડિંગ કમિટી અસરગ્રસ્તોના વળતર સહિતના મામલે યોગ્ય નિર્ણય કર્યા બાદ તંત્ર કલમ ર૧ર (ર) હેઠળ બીજી નોટિસ ફટકારીને અસરગ્રસ્તોને ૩પ દિવસનો સ્વેચ્છાએ દબાણ ખસેડી લેવાનો સમય આપશે. ત્યારબાદ કોર્પોરેશન રોડલાઇન કપાત માટે ‘ઓપરેશન ડિમોલિશન’ હાથ ધરશે.
http://sambhaavnews.com/

You might also like