વસ્ત્રાપુરમાં મોડી રાતે ઘરમાં સૂતેલા યુવકના ગળા પર છરી ફેરવી દીધી

અમદાવાદ: વસ્ત્રાપુર ગામમાં રહેતા અને સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી ધ ગ્રાન્ડ ભગવતી હોટલમાં બેન્કવેટના સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવક પર ગત મોડી રાતે કોઇ અજાણ્યા યુવકે ઘરમાં ઘૂસી ગળા પર છરીનો ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાજુમાં સૂતેલો મિત્ર જાગી જતાં હુમલો કરનાર યુવક નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા સુપરવાઇઝરને તાત્કા‌િલક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વસ્ત્રાપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના માંડા ગામનો વતની અને હાલમાં વસ્ત્રાપુર ગામમાં આવેલા ભરવાડવાસમાં લાખાભાઇ ભરવાડના મકાનમાં મૂકેશ કાં‌િતભાઇ લબાના (ઉં.વ.૩ર) તેના કાકાના દીકરા લક્ષ્મણ લબાના અને તેના ગામના જ રાજેન્દ્ર લબાના સાથે ત્રણેક વર્ષથી રહે છે. મૂકેશ સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલી ધ ગ્રાન્ડ ભગવતી હોટલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઇ કાલે હોટલની નોકરી પરથી રાત્રે ઘરે પરત ફર્યો હતો. તેનો ભાઇ લક્ષ્મણ થલતેજ ગયો હતો અને રાજેન્દ્ર નોકરી પરથી ઘરે પરત આવતાં બંનેએ મોડી રાત સુધી વાતચીત કરી હતી. ગરમી વધુ લાગતી હોવાથી દરવાજો ખુલ્લો રાખી મૂકેશ અને રાજેન્દ્ર સૂઇ ગયા હતા. દરમ્યાનમાં મોડી રાતે ત્રણેક વાગ્યાની આસપાસ કોઇ અજાણી વ્યક્તિએ ગળાના ભાગે ધારદાર હથિયાર વડે ઘસરકો માર્યો હોવાનું જણાતાં મુકેશ એકદમ સફાળો જાગી ગયો હતો, જેથી હુમલો કરનાર યુવક ગભરાઇ ગયો હતો અને બાજુમાં સૂતેલા રાજેન્દ્ર ઉપર પડ્યો હતો.

મૂકેશને જોતાં તેના ગળામાંથી લોહી નીકળતું હતું. હુમલો કરનાર વ્યક્તિને પકડવા રાજેન્દ્ર પાછળ દોડ્યો હતો, પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મૂકેશને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. લોકોને જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસને પણ જાણ કરાઇ હતી. વસ્ત્રાપુર પોલીસનો કાફલો તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

વસ્ત્રાપુર પોલીસના જણાવ્યા મુજબ રપ થી ૩૦ વર્ષની ઉંમરના અને મોઢે રૂમાલ બાંધેલો તથા બંને હાથમાં મોજાં પહેરેલા મજબૂત બાંધાના યુવકે મોડી રાતે ઘરમાં ઘૂસી મૂકેશની હત્યા કરવાના ઇરાદે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. મૂકેશને ૧૪ જેટલા ગળા પર ટાંકા આવ્યા છે. તેને વતનમાં, નોકરીમાં તેમજ ભરવાડવાસની કોઇ પણ વ્યક્તિ સાથે બોલાચાલી કે અણબનાવ બનેલો નથી. હાલમાં મૂકેશની ફ‌િરયાદના આધારે અજાણ્યા હુમલાખોર સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like