વસ્ત્રાલ અારટીઅોઃ રૂપાળા ચહેરા પાછળ તંત્રનો કદરૂપો વહીવટ

અમદાવાદ: વસ્ત્રાલ આરટીઓમાં જ્યારે પહેલી વાર કોઈ વ્યક્તિ જાય ત્યારે ભવ્ય ડિઝાઇનવાળું બિલ્ડિંગ જોઈને તે પ્રભાવિત થઇ જાય, પરંતુ એ જ વ્યક્તિ જ્યારે કચેરીમાં પ્રવેશ કરે ત્યારે તેને જોરદાર આઘાત લાગે છે, કેમ કે છ જ વર્ષમાં સરકારી તંત્રએ આરટીઓ કચેરીને ખંડેર જેવી કરી નાખી છે. કરોડોના ખર્ચે બનાવાયેલી અદ્યતન સગવડો અને સુવિધાનો પણ અધિકારીઓ કેવાે હાલ કરી શકે તેનો ઉત્તમ નમૂનો આ કચેરીમાં જોવા મળે છે. આરટીઓ કચેરીની દેખરેખમાં કોઈ પણ અધિકારીઓને કોઈ પણ જાતનો રસ નથી. વસ્ત્રાલ આરટીઓ કચેરીનું ઉદ્‌ઘાટન કરીને હાલના પીએમ અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 8-8-2011ના રોજ લોકાર્પણ કર્યું તેને આજે 6 વર્ષ વીતી ગયાં, કચેરી ઉત્તરોત્તર સુધરવી જોઇએ તેના બદલે ખંડેર જેવી બિસમાર હાલતમાં થઇ ગઇ છે. વસ્ત્રાલની અત્યાધુનિક બનાવેલી આરટીઓ કચેરીમાં નાગરિકો માટે બેસવા માટે પૂરતી વ્યવસ્થા નથી.

આરટીઓમાં કાચા-પાકા લાઈસન્સ, ટેસ્ટ ડ્રાઇવ, પરમિટ સહિતનાં વિવિધ કામો માટે રોજબરોજ અંદાજે પાંચ હજાર કરતાં વધુ અરજદારોની અવરજવર રહેતી હોય છે, પરંતુ આરટીઓ કચેરીના સિંગલ વિન્ડો તેમજ પ્રતીક્ષાખંડ વિભાગમાં લોકોને બેસવાની સુવિધાનો અભાવ હોવાથી અરજદારોને નીચે બેસવું પડે છે અને જે બાંકડા છે તે પણ તૂટેલી હાલતમાં છે તેમજ લાઈસન્સ વિભાગમાં બેસવા માટે જે હોલ આવેલો છે ત્યાં પાંચ એસી છે તે પણ બંધ હાલતમાં છે તેમજ ટીવી પણ તૂટી ગયું છે એટલું જ નહીં, ટોઇલેટમાં કોઈ વ્યક્તિ પ્રવેશ કરે તો તેને એવું લાગે કે વર્ષો સુધી કોઈએ તેની સફાઈ જ નથી કરી તેવો અનુભવ થાય.

બીજી બાજુ આરટીઓ કચેરીનાં બારી-બારણાં તૂટી ગયાં છે તેમજ આખી કચેરીમાં જ્યાં નજર કરો ત્યાં તમને ગંદકી જોવા મળે છે. કચેરીના પહેલા ફ્લોર પર કોઈ પણ પ્રકારની સાફસફાઈ જ નથી થતી. અહીંયાંં તો ટાઇલ્સ અને દીવાલો પર જાળાં બાઝી ગયાં છે. કૂતરાં આરામ કરતાં જોવા મળે છે. આરો સિસ્ટમ તૂટી ગઇ છે. આરટીઓ કચેરીના ઉપરના ભાગનાં છાપરાં પણ તૂટી ગયાં છે. વરસાદ વખતે તો રેઇન ડાન્સ જેવો અનુભવ થાય છે તેમજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર ટેસ્ટ ડ્રાઈવ માટે જે ટ્રેક બનાવ્યો છે તે પણ તૂટી ગયો છે તેમજ લિફ્ટ પણ બંધ હાલતમાં છે. અરજદારોએ ઘણી રજૂઆત કરી પણ ક્યારેય કોઈ પણ અ‌િધકારીઓ સાંભળતા જ નથી.

વસ્ત્રાલ કચેરીમાં પ્રવેશ કરો એટલે લાઈસન્સ શાખા એવું બોર્ડ જોવા મળશે. અહીં પૂછપરછ માટે કેબિન બનાવવામાં આવી છે. ભાગ્યે જ કોઈ કર્મચારી ત્યાં હાજર હોય છે, જોકે લાઈટ અને પંખા જ ચાલુ હોય છે, ઠેરઠેર દીવાલો પર પાનની પિચકારીઓ જોવા મળે છે તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રતીક્ષાખંડમાં જે ખુરશીઓ તેમજ વોટરકૂલર છે તે પણ ભંગાર હાલતમાં પડ્યાં છે, તેનો નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે અરજદારોને નીચે બેસવું પડે છે તેમજ આરટીઓ કચેરીની મોડલ ડિઝાઇન જે કાચની પેટીમાં મૂકવા આવી છે તે પણ પહેલા ફ્લોર પર આવેલી છે અને તે મોડલની આજુબાજુ ધૂળ જામી ગઇ છે.

વસ્ત્રાલ એઆરટીઓ કે. એમ. પટેલે જણાવ્યું કે એસી હાલમાં બંધ હાલતમાં છે, તેના માટે હેડ ઓફિસમાં રજૂઆત કરી છે, ચાલુ થઇ જશે, જે બાંકડા તૂટી ગયા છે તે પાટીદાર અનામત આંદોલન વખતે ટોળાઓએ નુકસાન કર્યું હતું તેમજ ઉપરનાે ફ્લોર ઉપયોગમાં લેવાતો નથી, તેમ છતાં અમે સાફસફાઈ રાખીએ છે. બાકીની વ્યવસ્થા બરાબર છે, અમને ગ્રાન્ટ મળતી નથી.
પ્રિતેશ પ્રજાપતિ

You might also like