વસ્ત્રાલ પોલીસચોકીમાં ઝેર પીનાર પરિણીતા અને તેના પતિ પર હુમલો

અમદાવાદ: શહેરના વિનોબા ભાવેનગરમાં રહેતા દંપતી પર મોડી રાતે લાકડીઓના ફટકા મારીને જીવલેણ હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મહિલાનાં પરિવારજનોએ હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પતિ સાથે છૂટાછેડા લઇને મહિલાએ પ્રેમી સાથે લગ્ન કરી લેતાં મામલો બીચક્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલાં મહિલાએ વસ્ત્રાલ પોલીસચોકીમાં પરિવારજનોના ત્રાસથી ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

રામોલ-હાથીજણ વોર્ડમાં ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સુમિતાબહેન જયંતીલાલ પટેલની પુત્રી દર્શનાએ થોડાક સમય પહેલાં પોતાના પતિને છૂટાછેડા આપીને અજય વાઘેલા નામના પરિણીત યુવક સાથે લગ્ન કરી લીધાં હતાં. દર્શના અને અજયનાં લગ્નને લઇ સુમિતાબહેન તેમજ તેમનાં પરિવારજનોએ નારાજગી વ્યકત કરી હતી, જેથી દર્શનાએ રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે દર્શનાની અરજી પર કોઇ કાર્યવાહી નહીં કરતાં ચાર દિવસ પહેલાં વસ્ત્રાલ પોલીસચોકીમાં ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જેમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ મામલે દંપતી પોલીસ કમિશનર એ. કે. સિંઘ પાસે મદદ માગવા માટે ગયાં. જ્યાં પોલીસ કમિશનરે વટવા જીઆઇડી પોલીસને મદદ કરવા માટે સૂચના આપી હતી. ગઇ કાલે મોડી રાતે અજય અને દર્શના તેમના ઘરે રહેવા માટે ગયાં ત્યારે કેટલાક લોકોએ તેમના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બન્ને જણાને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. વટવા જીઆઇડીસી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like