વસ્ત્રાલમાં મેટ્રો રેલવેને ઝટકો

અમદાવાદ: રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી મેટ્રો રેલવેના પાઇલોટ પ્રોજેક્ટને વસ્ત્રાલ ખાતે ધાર્મિક સ્થળોને ખસેડવાના મામલે ઝટકો લાગ્યો છે. આના કારણે વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરેલ પાર્ક સુધી મેટ્રો રેલવેને દોડતી થવામાં વિલંબ લાગે તેવી શક્યતા સર્જાઈ છે.

કોર્પોરેશન દ્વારા વસ્ત્રાલ ગામથી કાંકરિયા એપરેલ પાર્ક સુધીના મેટ્રો રેલવેના પાઇલોટ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે બે-ત્રણ મહિનાથી ચક્ર ગતિમાન કર્યાં છે. મેટ્રો રેલવેને નડતરરૂપ પાંચ મંદિરોને તોડી નખાયાં છે. મેટ્રો રેલવે પ્રોજેક્ટના કામ માટે ન્યુ કોટન મિલ ચાર રસ્તાથી એપરેલ પાર્ક સુધીના માર્ગ આગામી તા.૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ સુધી બંધ કરી દેવાયો છે. જ્યારે રબારી કોલોની ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા અમરાઈવાડી સુધીનો રોડ વન વે કરાયો છે.

તંત્રની યાદી મુજબ મેટ્રો રેલવે પ્રોજેક્ટના સરળતાથી અમલીકરણ માટે હજુ છ ધાર્મિક સ્થળને હટાવવાનાં જરૂરી છે. વસ્ત્રાલમાં રામેશ્વર એપાર્ટમેન્ટ સામેનું હનુમાનજીનું મંદિર, શક્તિમાનું મંદિર, આઈ શ્રી ખોિડયારમાતાનું મંદિર, સાંસ્કૃતિક વિદ્યા મંદિર સામેનું અંબે માતાનું મંદિર અને પાર્વતી માતાનુંુ મંદિર, ખારીકટ કેનાલ ઈરિગેશન ઓફિસ પાસેનું કપિ બલવંત હનુમાનજીનું મંદિર પર બુલડોઝર ફેરવવા તંત્ર આતુર બન્યું છે. પરંતુ સ્થાનિક લોકોના વિરોધના પગલે આ છ ધાર્મિક સ્થળની એક ઈંટ પણ હટાવી શકાઈ નથી.

જેના કારણે મેટ્રો રેલવેનો સમગ્ર પ્રોજેક્ટ વિલંબમાં મુકાશે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે પૂર્વ ઝોનના સત્તાવાળાઓ આ બાબતને નકારી કાઢે છે તેઓ કહે છે, ‘આ ધાર્મિક સ્થળોને હટાવવામાં થતા વિલંબથી મેટ્રો રેલવે પ્રોજેક્ટને કોઈ અસર નહીં પડે!’

You might also like