વસ્ત્રાલના તળાવ પર હવે મ્યુનિ.ની નજર પડીઃ રૂ.૧૨.૧૦ કરોડ ખર્ચાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ ઝોનના વસ્ત્રાલ તળાવને રૂ.૧ર.૧૦ કરોડના ખર્ચે વિકસિત કરવાનાં ચક્ર ગતિમાન કરાયાં છે. આમ તો તંત્ર દ્વારા નાણાકીય વર્ષ ર૦૧પ-ર૬ના ડ્રાફટ બજેટમાં વસ્ત્રાલમાં આવેલા દશામાના મંદિર પાસેનાં ગામ તળાવનો વિકાસ કરવાનું આયોજન વિચારણા હેઠળ લેવાયું હતું. વસ્ત્રાલ તળાવ ઉપરાંત સૈજપુર તળાવ, નિકોલ ગામ તળાવ, થલતેજ ગામ તળાવ, સોલા તળાવ અને ઓઢવ ગામ તળાવનું કુલ રૂ.૪૬ કરોડના ખર્ચે તબક્કાવાર વિકાસ કરવાનું આયોજન ડ્રાફટ બજેટમાં હતું.

જોકે હવે વસ્ત્રાલ ગામ તળાવના વિકાસને લગતા રૂ.૧ર.૧૦ કરોડના સર્જન કન્ટ્રકશન કંપનીનાં ટેન્ડરને મંજૂરી અપાઇ ગઇ છે. આ ઉપરાંત નવા પશ્ચિમ ઝોન થલતેજ વોર્ડમાં હયાત ટીપી રોડ તેમજ ભાડજ ગામ, શીલજ ગામ, હેબતપુર ગામ તથા અન્ય જુદી જુદી જગ્યાએ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવાનાં કામ માટે રૂ.બે કરોડનો અંદાજ મંજૂર કરાયો છે.

દરમ્યાન શહેરનાં તળાવોને પીપીપીના મોડલથી વિકસાવવા માટેની ચોક્કસ નીતિ તૈયાર કરવાનું આશ્વાસન શાસકો દ્વારા અપાયું હતું. ચંડોળા તળાવના વિકાસ માટે વિશેષ પ્રોજેકટ ઘડી કાઢવાના પણ બગણાં ફુંકાયા હતાં. જો કે આ તમામ બાબતો અંગે હજુ સુધી અનિશ્ચિતતા જોવા મળે છે.

આમ અત્યારની સ્થિતિએ મ્યુનિ. સત્તાવાળાઓ શહેરના તળાવોને વરસાદી પાણીના સંગ્રહથી ભૂગર્ભ જળને રિચાર્જ કરાવવામાં જેમ નિષ્ફળ નિવડ્યા છે તેવી જ રીતે કાંકરિયા લેકફ્રન્ટની જેમ અન્ય તળાવોનો વિકાસ કરાવવામાં ખાસ સફળ બન્યા ન હોઇ વસ્ત્રાલ તળાવના વિકાસનો પ્રોજેકટ અત્યારથી ચર્ચાસ્પદ બન્યો છે.
http://sambhaavnews.com/

You might also like