વસ્ત્રાલમાં વેપારી પર હુમલામાં જ્વેલર પિતા-પુત્ર સહિત પાંચની ધરપકડ

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં એક દુકાનમાં ધૂસીને અસામાજિક તત્વોએ દંડા વડે વેપારી પર હુમલો કરીને આતંક મચાવવાના ચકચારી કિસ્સામાં પોલીસે વૈભવી જવેલર્સનો શો રૂમ ધરાવતા પિતા પુત્ર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. સોની પિતા પુત્રએ પાર્કિંગની બાબતે ભાડૂતી ગુંડાઓને બોલાવીને વેપારી પર હુમલો કરાવ્યો હતો.

વસ્ત્રાલ વિસ્તારમાં મહાદેવનગરમાં આવેલ રામેશ્વર કોમ્પ્લેક્સમાં નરેન્દ્રભાઇ અને તેમના નાના ભાઇ રામજીભાઇની એલ્યુમિનિયમ સેક્સન અને ગ્લાસની દુકાન આવેલી છે. તેમના દુકાનની ઉપર દર્શન શાહનો પાર્શ્વ જવેલર્સનો શો રૂમ આવેલો છે. પાર્કિંગ તેમજ ગેરકાયદે બાંધકામના મુદ્દે બંને વચ્ચે ધણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે.

આ અદાવતને ધ્યાનમાં રાખીને શનિવારે બપોરે રામજીભાઇ ચાલતા ચાલતા તેમની દુકાને આવતા હતા ત્યારે દર્શન શાહના ભાડૂતી ગુંડાઓએ તેમને ધોલધાપટ કરીને ધમકી આપી હતી. જેમાં રામજીભાઇએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ કરીને રામજીભાઇ તેમની પત્ની અને બે બાળકો સાથે દુકાનમાં આવ્યા ત્યારે ત્રણ ચાર અજાણ્યા શખ્સો લાકડીઓ લઇને તેમની દુકાનમાં ધસી આવ્યા હતા. જ્યાં એકાએક રામજી ભાઇ પર હુમલો કરી દીધો હતો.

રામોલ પોલીસે આ કેસમાં તપાસ કરતા વેપારીના હુમલા પાછળ દર્શન શાહ અને તેના પિતા હસમુખ શાહ હોવાનું ખૂલ્યું હતું. ગઇ કાલે પોલીસે ભાડુતી ગુંડા મોકલનાર દર્શન શાહ અને પિતા હસમુખ શાહ (બંને રહે. નિકોલ) તેમજ હુમલો કરનાર વિશાલ વિહાભાઇ દેસાઇ (રહે નરોડા), સંદીપ ધરમસિંહભાઇ રબારી (રહે સીટીએમ) અને ભાવેશ હસમુખભાઇ શાહની ધરપકડ કરી છે.

You might also like