વસ્ત્રાલમાં ગરબા જોઈ પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ઓઢવમાં ગત રવિવારે બસમાં ઘૂસીને અસામાજિક તત્ત્વોએ યુવકની કરેલી ઘાતકી હત્યાનો મામલો હજુ થાળે નથી પડ્યો કે ગત મોડી રાતે વસ્ત્રાલ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણસર પિતા-પુત્ર સહિત ચાર શખસોએ બે યુવકો પર જાહેરમાં તલવાર વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ હિંસક ઘટનામાં એક યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવકને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એસ. દવેએ જણાવ્યું છે કે વસ્ત્રાલ કેનાલ પાસે આવેલી માતૃભક્તિ સોસાયટીમાં રહેતાે પરશુરામ પરષોત્તમભાઈ પટેલ તેના મિત્ર ઉત્કર્ષ સાથે ગરબા જોઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે વસ્ત્રાલ કેનાલ પાસે માતૃભક્તિ સોસાયટીમાં રહેતા ટીવાયબીકોમમાં અભ્યાસ કરતો મનીષ ડાંગી તેના પિતા નરેશ ડાંગી, બ્રિજેશ ગોસ્વામી અને રાકેશ યાદવ નામના શખસો ઘાતકી હથિયારો લઈને ઊભા હતા તે સમયે બંને યુવકોને તેમની પાસે બોલાવ્યા હતા અને કોઈ કારણસર બંને પર હુમલો શરૂ કરી દીધો હતો.

પિતા-પુત્ર સહિત ચારેય શખસોએ આડેધડ છરીના ઘા ઉત્કર્ષ તેમજ પરશુરામને માર્યા હતા. જેમાં પરશુરામનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઉત્કર્ષને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મોડી રાતે ૩-૦૦ વાગ્યે થયેલી આ ઘટના અંગે પરશુરામના પરિવારને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ હિંસક ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે આ ઘટનામાં મનીષના પિતા નરેશ ડાંગીની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મનીષે પરશુરામ પર જૂની અદાવતને લઈ હુમલો કર્યો હોય તેવું સામે આવ્યું છે. હાલ ઉત્કર્ષના નિવેદન બાદ હુમલા પાછળનું શું કારણ છે તે જાણી શકાશે. હાલ તો પોલીસે એફએસએલની મદદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે ત્રણ અારોપીઅોને પકડવા માટે અલગ અળગ ટીમો રવાના કરી છે. સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર પરશુરામ મનીષ સાથે થયેલા ઝઘડાને લઈને છેલ્લા બે ત્રણ િદવસથી ગુમસુમ રહેતો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દર બીજા કે ત્રીજા દિવસે હત્યાના બનાવો બની રહ્યા છે. સામાન્ય બાબતમાં થતી તકરારમાં કે જૂની અદાવતમાં ઉશ્કેરાઈ જઈને લોકો હત્યા કરતા ખચકાતા નથી. શહેરમાં બનેલા હત્યાના અનેક બનાવોનાં હજુ સુધી ઉકેલાયા નથી. છેલ્લા એક અઠવાડિયામાં હત્યાના ત્રણ બનાવ બન્યા છે.

You might also like