વસ્ત્રાલમાં ફલેટમાંથી જુગારધામ ઝડપાયુંઃ આઠ શખસની ધરપકડ

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ રિંગરોડ પર આવેલા એક ફલેટમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી આઠ શખસની ધરપકડ કરી છે. પોલીસે રોકડા રૂ.ર.૦૮ લાખ અને પાંચ મોબાઇલ સહિત રૂ.ર.ર૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ સી. બી. પટેલને બાતમી મળી હતી કે વસ્ત્રાલ રિંગરોડ પર આરએએફ કેમ્પ સામેના શાંતિનિકેતન ફલેટ નં.૩ના એક મકાનમાં જુગાર રમાડવામાં આવે છે, જેના આધારે ગઇ કાલે સાંજે પોલીસે ડી-૧૦૩ નંબરના મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસને ભાવેશ ઉર્ફે ગોપાલ પ્રવીણભાઇ પટેલ (રહે. શાંતિનિકેતન-૩) મળી આવ્યો હતો, જેની પૂછપરછ કરાતાં તેણે પોતાનું મકાન હોવાનું જણાવ્યું હતું. અંદર તપાસ કરતાં અન્ય સાત લોકો જુગાર રમતા હતા. પોલીસે રોનક ઘનશ્યામ પટેલ (રહે. કુહા ગામ), હિમાંશુ કૌશિક પટેલ (રહે. વાંચ ગામ), અલ્પેશ અરવિંદ પટેલ (રહે. કુહા ગામ), હિમાંશુ કનકભાઇ પટેલ (રહે.કુબડથલ ગામ), કિરણ રમેશ પટેલ (રહે. વાંચ ગામ), પ‌િરમલ ચંદુભાઇ પટેલ (રહે. વાંચ ગામ) અનેે ભરત સાકાભાઇ રબારી (રહે. કુહા ગામ)ને ઝડપી લીધા હતા.
પોલીસને તમામ પાસેથી કુલ રૂ.ર.૦૮ લાખ રોકડા મળી અાવ્યા હતા. પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ.ર૧,૦૦૦ મળી કુલ રૂ.ર.ર૯ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આરોપી ભાવેશ ઉર્ફે ગોપાલ બહારથી માણસોને પોતાના ફલેટમાં બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસે આરોપી કેટલા સમયથી જુગારની પ્રવૃ‌ત્તિ ચલાવતો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસની શરૂઆત થતાં શ્રાવણિયો જુગાર રમતા જુગારીઓ પણ ફલેટમાં અથવા તો ફાર્મ હાઉસમાં પોલીસની નજરથી બચી જુગાર રમતા હોય છે અને પોલીસે પણ આવા જુગારીઓને ઝડપવા કામે લાગી ગઈ છે.
http://sambhaavnews.com/

You might also like