વસ્ત્રાપુરમાં પીજી તરીકે રહેતી યુવતીઅોના ત્રણ મોબાઈલ ચોરાયા

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ફરી એક વાર ભાડાના મકાનમાં રહેતા યુવક-યુવતીઓના ઘરમાં ઘૂસી મોબાઈલ ફોન અને લેપટોપની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. વસ્ત્રાપુરના ડીપ્લેક્સ એપાર્ટમેન્ટમાં આવેલા મકાનમાં વહેલી સવારે અજાણી વ્યક્તિએ ઘૂસી રૂ.૩પ૦૦૦ના ત્રણ મોબાઈલ ફોનની ચોરી કરી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૂળ જામનગરની અને હાલ વસ્ત્રાપુરના ડીપ્લેક્સ એપાર્ટમેન્ટમાં આવેલા મકાન નંબર-૮માં તોરલ મહેતા (ઉ.વ ર૪) તેની બીજી ત્રણ બહેનપણીઓ સાથે ભાડે રહે છે. થલતેજ ખાતે આવેલી એક આઇટી કંપનીમાં તે નોકરી કરે છે. ચાર દિવસ અગાઉ રાતે નિત્ય ક્રમ મુજબ તમામ યુવતીઓ સૂઈ ગઈ હતી. બીજા દિવસે સવારે પોણા આઠેક વાગ્યાની આસપાસ તોરલ અેલાર્મ બંધ કરી સૂઈ ગઈ હતી. અડધા કલાક બાદ જાગી અને જોતાં તેનો મોબાઈલ ગાયબ હતો. ઘરમાં તપાસ કરતાં અન્ય ત્રણ યુવતીઓના ફોન પણ ગાયબ હતા. સવારના સમયે ઘરમાં કોઈએ ઘૂસીને ચોરી કરી હોઈ આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વસ્ત્રાપુર વિસ્તારમાં જ આવી રીતે ભાડાના મકાનમાં સવારના સમયે ઘૂસીને લેપટોપ, પર્સ અને મોબાઈલ ફોનની ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ પોલીસ આ ચોર ટોળકી સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે.

You might also like