મ્યુનિ. દ્વારા વાસણાના પ્રજાપતિ ગાર્ડનને નવાં રંગરૂપ અપાશે

અમદાવાદ: પશ્ચિમ ઝોનના વાસણા વોર્ડમાં આવેલા એએમટીએસ બસ સ્ટેશન પાછળ આવેલા મ્યુનિ. માલિકીના ઉપે‌િક્ષત પ્રજાપતિ ગાર્ડનને નવા રંગરૂપ આપવાનાં ચક્ર ગતિમાન
કરાયાં છે.
વાસણાનાે પ્રજાપતિ ગાર્ડન મોકાના સ્થાન આવ્યો હોવા છતાં કોર્પોરેશનની બેદરકારીના કારણે ખાસ વિકાસ કરાયો ન હતો. પાછળનો ભાગ અવિકસીત જ રહ્યો હતો. પ્રજાપતિ ગાર્ડન ફરતેની કમ્પાઉન્ડ વોલ તૂટી ફૂટી ગઇ છે. વોકિંગ ટ્રેકનાં પણ ઠેકાણાં નથી. ઠેક ઠેકાણેથી પેવર બ્લોક ઉખડી ગયા છે જેના કારણે સ્થાનિક કોર્પોરેટરે અને પૂર્વ મેયર અમિત શાહે પ્રજાપતિ ગાર્ડનના સુવ્યવસ્થિત વિકાસની તંત્રને માગ કરી હતી.
દરમિયાન તાજેતરમાં મળેલી રોડ-બિલ્ડિંગ કમિટીમાં પ્રજાપતિ ગાર્ડનને નવાં રંગરૂપ આપવાનાં સિવિલ કામનો રૂ.ર૦ લાખનો અંદાજ મંજૂર કરાયો છે. આ અંદાજ આધારિત આગામી દિવસોમાં ટેન્ડર તૈયાર કરી સૌથી ઓછા ભાવના કોન્ટ્રાકટરને વોકિંગ ટ્રેક, કમ્પાઉન્ડ વોલ, ગઝેલો, પેવર બ્લોકના કામનો કોન્ટ્રાકટ અપાશે.
આની સાથે સાથે સ્ટેડિયમ વોર્ડના વાડજ સર્કલથી પરીક્ષિત બ્રિજ રોડ સુધીના ભાગમાં બંને બાજુએ ફુટપાથ પર નવી ગ્રીલ તેમજ રંગ કરવા માટે રૂ.રર.૪૧ લાખના ટેન્ડરને મંજૂર કરાયું છે. મહાત્મા ગાંધીના દાંડી આશ્રમની મુલાકાત લેવા આવનારા મહાનુભાવોને આ રસ્તાની ફુટપાથ પર નવી ગ્રીલ બેસાડવાથી સલામતીનો અહેસાસ થશે. આ કામને હેરિટેજ વિકાસના સંદર્ભમાં પણ લીલી ઝંડી અપાઇ છે.

You might also like