વાસણાના ખુલ્લા પ્લોટમાં સૂતેલા વૃદ્ધને ભારે વાહને કચડી નાખ્યા

અમદાવાદ: શહેરના વાસણા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં સૂતેલા વૃદ્ધને ભારે વાહને ચગદી નાખતાં તેમનું મોત થયું છે. વહેલી સવારે જ્યારે સ્થાનિકો ઉઠ્યા ત્યારે આધેડની લોહીથી લથપથ લાશ જોતાંની સાથે જ પોલીસને જાણ કરી હતી. ટ્રાફિક એમ ડિવિઝન પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે વાહન પાર્કિંગ બાબતે રોષ જોવા મળ્યો છે

વાસણા વિસ્તારમાં સોરાઇ નગર ખાતે ખુલ્લા પ્લોટમાં લકઝરી બસ તથા ડમ્પર સહિતનાં ભારે વાહનો પાર્ક થાય છે. વધતી જતી ગરમીના કારણે સોરાઇ નગરમાં રહેતા ૬૦ વર્ષીય રાજુભાઇ દંતાણી મોડી રાત્રે ખુલ્લી જગ્યામાં સુવા માટે ગયા હતા. ખાનગી લકઝરી અથવા તો ડમ્પરના ચાલકે રાજુભાઇ દંતાણીને ચગદી નાખ્યા હતા.

આજે વહેલી પરોઢે જ્યારે સોરાઇ નગરના રહીશો ઊઠ્યા ત્યારે રાજુભાઇની લોહીથી લથપથ હાલતમાં લાશ જોઇ હતી. ઘટના વાયુવેગે વિસ્તારમાં ફેલાતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઇ હતી. રાજુભાઇનાં મોત પછી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી સોરાઇ નગરમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ખાનગી લકઝરીઓ તથા ભારે વાહનો ગેરકાયદે પાર્ક થાય છે. જેમાં અવારનવાર સોરાઇ નગરના રહીશોને વાહન પાર્ક કરવા બાબતે ઝઘડા પણ થયા છે. રાજુભાઇ દંતાણીના મોત મામલે ટ્રાફિક એમ ડિવિઝનના એએસઆઇ રશીદખાન પઠાણે જણાવ્યું છે કે મોડી રાત્રે ભારે વાહને રાજુભાઇને ચગદી નાખ્યા હતા તે વાહન લકઝરી છે કે પછી ડમ્પર છે તે તપાસનો વિષય છે. હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવશે.

You might also like