જીએસટી આવ્યા પછી વિવિધ ટેક્સટાઈલ પ્રોડક્ટ મોંઘી થશે

અમદાવાદ: જીએસટી કાઉન્સિલે પાછલા સપ્તાહે ટેક્સટાઇલ પર પાંચ ટકાના દરે જીએસટી લગાવવાની જાહેરાત કરી છે, જેના પગલે વિવિધ ટેક્સટાઇલ પ્રોડક્ટ મોંઘી થવાની ભીતિ સ્થાનિક ટેક્સટાઇલ અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે. ખાસ કરીને કોટન યાર્ન અને ફેબ્રિક્સમાંથી બનાવવામાં આવતી વિવિધ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની કિંમત વધી જવાની શક્યતા છે.
કાપડ બજારના અગ્રણીઓનું માનવું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની નવી કર માળખાની વ્યવસ્થાના કારણે કોટન તથા સિન્થેટિક ફાઇબર માટે અલગ અલગ દરનાં અર્થઘટનો અંગે પ્રશ્નો ઊભા થશે. કાઉન્સિલે કોટન ફાઇબર, યાર્ન અને ફેબ્રિક્સ પર પાંચ ટકાના દરે જીએસટી નક્કી કર્યો છે. હાલ ટેક્સનો દર શૂન્ય છે, જોકે દેશના કેટલાક રાજ્યમાં કોટન યાર્ન અને ફેબ્રિક્સ પર બેથી ચાર ટકા સુધીનો વેટ વસૂલવામાં આવે છે. રેડીમેડ ગાર્મેન્ટ સેક્ટર એ‍વું ઇચ્છી રહ્યું છે કે જીએસટી હેઠળ કર માળખું સરળ હોય તથા સમગ્ર વેલ્યૂ ચેઇન માટે કરનો દર એક જ હોય.

એક કરતા વધારે દરની જાહેરાત કરવાના કારણે વિવિધ ટેક્સટાઇલ પરના ટેક્સનાં અર્થઘટનો કરવામાં પ્રશ્નો સર્જાઇ શકે છે તથા મુશ્કેલી પણ ઊભી થઇ શકે છે. તેમના કહેવા પ્રમાણે પાંચ ટકાનો ટેક્સ લાગુ થવાના કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. આ અંગે સ્થાનિક ટેક્સટાઇલ વેપારીઓના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં સરકારે ટેક્સટાઇલ પર પાંચ ટકાનો દર લાદવાની જાહેરાતથી કાપડ બજારમાં વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ કોઇ ટેક્સ ન હતો અને હવે તેના પર પાંચ ટકા ટેક્સ લાદવાના કારણે કાપડના ભાવમાં વધારો થશે.

http://sambhaavnews.com/

You might also like