વિવિધ કઠોળ તથા ખાદ્યતેલના ભાવમાં સતત ઘટાડો નોંધાયો

અમદાવાદઃ વિવિધ કઠોળ તથા ખાદ્યતેલના ભાવમાં પાછલા મહિનાઓમાં આગઝરતી તેજી જોવા મળી હતી, પરંતુ નવી આવક આવવાની શરૂ થતાં પૂર્વે જ તુવેરની દાળ સહિત વિવિધ કઠોળ તથા ખાદ્યતેલના ભાવમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. એક મહિનામાં રૂ. ૨૦થી ૩૦ તુવેરની દાળનો ભાવ ઘટીને પ્રતિકિલોએ ૧૨૦થી ૧૪૦ની સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે સિંગતેલના ભાવમાં પણ પાછલા બે સપ્તાહમાં પ્રતિ ૧૫ લિટરના ડબે રૂ. ૬૦થી ૮૦નો ઘટાડો જોવાઇ ચૂક્યો છે.

કપાસિયા તેલના ભાવમાં પણ બે સપ્તાહમાં ડબે રૂ. ૨૦થી ૪૦નો ઘટાડો જોવાઇને ૧૩૪૦-૧૩૫૦ની સપાટીએ પહોંચી ગયો છે. સ્થાનિક બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે મહિનાથી શ્રાવણ મહિનાની તહેવારોની સિઝન પૂર્વે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીના પગલે ચણાની દાળ સહિત વિવિધ ખાદ્યતેલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો, પરંતુ હવે ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે મગના ભાવમાં પણ પ્રતિકિલોએ સ્થાનિક બજારમાં ૧૦થી ૨૦નો ઘટાડો નોંધાઇ ૭૦થી ૮૦ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે.

You might also like