વારણસીમાં મોદીનો ખુલ્લી જીપમાં મેગા રોડ શો

વારાણસી: ઉત્તર પ્રદેશનું ચૂંટણી મહાભારત આખરી તબક્કામાં હવે રીતસરનું કુરુક્ષેત્ર બની ગયું છે. ઉત્તર પ્રદેશ ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારણસી પહોંચી ગયા છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના સિંહ ગેટથી તેમનો રોડ શો શરૂ થઈ ગયો છે. આ અગાઉ વડા પ્રધાન મોદીના આગમન પર તેમના સમર્થકોએ તેમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીએ પંડિત મદનમોહન માલવીયની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસપીજીએ તેમના ફરતે સિક્યોરિટી રિંગ ઊભી કરી છે. રસ્તાની બંને બાજુ મોદીના સમર્થકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા છે. ખુલ્લી જીપમાં પીએમ મોદી પોતાના સમર્થકોનું અભિવાદન ઝીલી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમનું સંસદીય મતક્ષેત્ર વારાણસી પ્રતિષ્ઠાનો જંગ બની ગયું છે. આજે વારાણસીમાં રીતસરનું દંગલ જોવા મળી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેગા રોડ શોની સાથે મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી પણ રોડ શો યોજશે. આ રોડ શોમાં અખિલેશના સાંસદ પત્ની ડિમ્પલ યાદવ પણ સાથે રહેશે.

પીએમ મોદી લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે વારાણસીમાં પણ જીતને દોહરાવવા માગે છે. મોદીના ત્રણ મકસદ છે. એક તો વારાણસીમાં ભાજપનો વિજય નિશ્ચિત કરવો, પૂર્વાંચલની તમામ બેઠકોને પ્રભાવિત કરવી અને યુપીમાં ભાજપની સરકાર માટે રસ્તો બનાવવો. પૂર્વાંચલનો ગઢ જીતવા માટે મોદી આજથી ત્રણ દિવસ સુધી વારાણસીના ખૂણે ખૂણે ફરી વળીને આસપાસના જિલ્લાઓમાં પણ ભાજપ માટે એક અનુકુળ માહોલ તૈયાર કરશે.

પીએમ મોદી ૮ માર્ચે વારાણસીમાં યોજાનારી ચૂંટણી પૂર્વે આજે સાત કિ.મી.નો મેગા રોડ શો કરશે. મોદીની સાથે તેમની કેબિનેટના ૧૧ પ્રધાનો સોમવાર સુધી વારાણસીમાં ડેરા તંબુ તાણશે. મોદી સાંજ સુધીમાં આજે ત્રણ સભાઓને સંબોધશે. પીએમ મોદી બાદ અખિલેશ અને રાહુલ ગાંધી તેમજ માયાવતી પણ વારાણસીમાં આજે તાકાતનું પ્રદર્શન કરશે.

પોતાના સંસદીય મતક્ષેત્રમાં પીએમ મોદી આજે ત્રીજી વખત કાશી વિશ્વનાથ મંદિરનાં દર્શન કરશે અને વિજય માટે આશીર્વાદ મેળવશે. રોડ શો દ્વારા મોદી કાલ ભૈરવ મંદિર જશે. વિશ્વનાથ મંદિરથી કાલ ભૈરવ મંદિર અઢી કિ.મી. દૂર છે અને મોદીનો આ સમગ્ર કાર્યક્રમ રોડ શો જેવો હશે.

વારાણસીમાં બનારસ હિંદુ યુનિવર્સિટી ગેટથી શરૂ કરીને પીએમ મોદીની યાત્રા રવિદાસ ગેટ લંકા, અસ્સી, ભદૈની, સોનારપુરા, મદનપુરા, વાસફાટક થઈને જ્ઞાનવાપી અને પછી ફરી બાબા વિશ્વનાથ સુધી પહોંચશે. બાબાનાં દર્શન કર્યા બાદ પીએમ ચોક, નીચી બાગ, મેદાગીન, વિશ્વેશ્વર ગંજથી થઈને ગુજરાત વિદ્યામંદિર પાસેથી તેઓ કાલ ભૈરવ સુધી જશે. સાંજે ૭.૩૦ વાગ્યે પીએમ મોદી ટાઉન હોલના મેદાનમાં રેલીને સંબોધન કરશે.

વાસ્તવમાં ભાજપે પૂર્વાંચલમાં આખરી તબક્કાની ૪૦ બેઠકો માટે ચક્રવ્યૂહ રચ્યો છે. મોદીના મેગા શો સામે રાહુલ ગાંધી અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવનો રોડ શો ૯ કિ.મી. લાંબો હશે. ત્રણેય નેતાઓના રોડ શોનો પ્રારંભ આંબેડકર ચોકથી થશે અને ચર્ચ ચોકમાં પૂરો થશે. મોદી અને રાહુલ-અખિલેશ ઉપરાંત માયાવતી પણ આજે વારાણસીમાં છે. માયાવતી રોહાનિયાની આસપાસના વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરશે અને જાહેરસભાને સંબોધશે.

You might also like