વાપી-સેલવાસ રોડ પર હિટ અેન્ડ રન ચાર યુવકનાં ઘટનાસ્થળે મોત

અમદાવાદ: વલસાડ જિલ્લાના વાપી-સેલવાસ રોડ પર ગત મોડી રાત્રે મહિન્દ્રા એસયુવી કારચાલકે બે બાઈક પર જતાં ચાર યુવકોને અડફેટે લેતાં તેઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. અકસ્માત બાદ કારચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો. વાપી જીઅાઈડીસી પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માત સર્જનાર કાર વાપી નગરપાલિકાના એક કોર્પોરેટર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગત મોડી રાત્રે વાપી-સેલવાસ રોડ પર અાવેલા ચણોદ ગામમાંથી પુરપાટ ઝડપે એક મહિન્દ્રા એસયુવી કાર નીકળી હતી. અા કારચાલકે સૌ પ્રથમ ચણોદ ગામના દરવાજા નજીક બાઈક લઈને પસાર થતાં દિનેશભાઈ નામના એક વ્યક્તિને ટક્કર મારી હતી. જોકે અા અકસ્માતમાં દિનેશભાઈ બચી ગયા હતા. ત્યારબાદ સેલવાસ રોડ પર એક ગાર્મેન્ટ કંપનીની સામેથી બે બાઈક પર જતાં ચાર યુવકોને એસયુવી કારચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતાં ચારેય યુવાનો દસ ફૂટથી વધુ હવામાં ફંગોળાયા હતાં. શરીરમાં ગંભીર ઈજા થવાના કારણે ચારેય યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ એસયુવી કાર થોડે અાગળ જઈ અને ડિવાઈડર સાથે ટકરાઈને ઊભી રહી ગઈ હતી અને કારચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

મૃતકોના નામ વિવેક વનરાજ ગોદાણી, દિલીપ ભીમસિંહ ત્રિવેદી, વિપીન રાજેશ ત્રિવેદી, અજયકુમાર શ્રીમાળી, હોવાનું જાણવા મળ્યું છે. અા અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

http://sambhaavnews.com/

You might also like