વાપીઃ ઉદ્યોગોની આડમાં પર્યાવરણને નુકસાન, લોકોનાં આરોગ્ય સાથે થઈ રહ્યાં છે ચેડાં, જાણો કઇ રીતે?

વલસાડઃ રોજગારીનાં સર્જન માટે ઉદ્યોગો જરૂરી છે પરંતુ ઉદ્યોગો એ પર્યાવરણ માટે ખૂબ નુકસાન કારક છે તે સનાતન સત્ય છે. આવું જ કંઈક થઈ રહ્યું છે ઔદ્યોગિક નગરી વાપીમાં. જ્યાં નાની-મોટી અનેક ફેક્ટરીઓ ધમધમી રહી છે.

પરંતુ કેટલીક કંપનીઓ પોતાનાં અંગત સ્વાર્થ ખાતર પ્રદૂષિત કચરાનો યોગ્ય નિકાલ કરતી નથી અને તેને ભંગારનાં ગોડાઉનમાં નાંખી દે છે. ભંગારનાં ગોડાઉનની જો વાત કરીએ તે મોટે ભાગે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ચાલી રહ્યાં છે. જે લોકો માટે આફતનું ઘર બન્યાં છે.

દ્રશ્યોમાં દેખાતો આ ઝેરી કચરો અને પ્રદૂષિત પાણી લોકોનાં આરોગ્ય માટે જોખમકારી સાબિત થઈ રહ્યો છે. વાપીમાં કેમિકલ, ફાર્મા અને પેપર કંપનીઓ ઝેરી કચરાને ભંગારિયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો સુધી પહોંચાડીને છૂટકારો મેળવી લે છે અને આવા ભંગારિયા ડુંગરી ફળિયા, કરવડ, ડુંગરા અને સલવાવ સહિતનાં રહેણાંક વિસ્તારોમાં ફેલાયેલાં છે.

જ્યાં હજારો ભંગારનાં ગોડાઉન ગેરકાયદેસર ચાલી રહ્યાં છે અને આજ ગોડાઉનોમાં કંપનીઓનાં અત્યંત જોખમી અને જ્વલનશીલ કેમિકલ કચરાનો સંગ્રહ કરવામાં આવે છે. જેનાં કારણે અવારનવાર ભીષણ આગ લાગવાની ઘટનાઓ બને છે. આ ગોડાઉનો લોકોનાં જીવ માટે પણ જોખમકારક છે ને સાથે સાથે પર્યાવરણ માટે પણ ખૂબ જ નુકસાનકારી છે.

ગેરકાયદેસર ચાલતા ભંગારનાં આ ગોડાઉનોમાં સમગ્ર વર્ષ દરમ્યાન આગની નાની-મોટી ઘટનાઓ બને છે. તો ગેરકાયદેસર ચાલતા ભંગારનાં ગોડાઉન સંચાલકો ઝેરી કેમિકલ કચરાને આસપાસની કુદરતી ખાડીઓનાં ઝરણામાં નિકાલ કરી દે છે. જેનાં કારણે કુદરતી જળ સ્ત્રોતોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ સાથે જ ભૂગર્ભજળમાં કેમિકલ ભળી રહ્યું હોવાંને કારણે લોકોનાં આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યાં છે.

ત્યારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને બંધ કરવા માટે લોકોની માંગ ઉઠી છે. આ તરફ તંત્ર કહી રહ્યું છે કે આવાં લોકો સામે વધુ કડક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ઔદ્યોગિક વિકાસ થાય તે કંઈ ખોટું નથી કારણ કે તેનાં કારણે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થતું હોય છે.

પરંતુ હાલ તંત્રની ઢીલી નીતિને કારણે ઉદ્યોગ ધંધાની આડમાં મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે ગેરકાયદેસર ચાલતા આ કાળા કારોબાર પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તે જરૂરી છે નહીં તો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો નવાઈ નહીં.

You might also like