રણબીર સાથેની ફિલ્મથી વાણી કપૂર ખુશખુશાલ

બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર પોતાની આવનારી ફિલ્મોને લઇ ખૂબ જ ખુશ છે. હાલમાં તે રણબીર કપૂરની ઓપોઝિટ ફિલ્મ ‘શમશેરા’નું શૂટિંગ કરી રહી છે. વાણી કપૂર છેલ્લે આદિત્ય ચોપરાની ફિલ્મ ‘બેફિક્રે’માં જોવા મળી હતી. ફિલ્મ ‘શમશેરા’ની કહાણી સન ૧૮૦૦ની આસપાસ ગૂંથવામાં આવી છે, જે અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે એક ડાકુના સંઘર્ષ પર આધારિત છે.

ફિલ્મ ‘શમશેરા’માં વાણી સ્ટંટ કરતી પણ જોવા મળશે. પોતાના રોલ અંગે તે કહે છે કે આ એકદમ અલગ પ્રકારનો રોલ છે. હું આવો રોલ પહેલી વાર ભજવી રહી છું. શક્યતાઓ છે કે તેમાં કેટલાક એક્શન સીન પણ કરું. આ ફિલ્મમાં ઘણું બધું દર્શકોને રોમાંચિત કરનારું હશે.

‘શમશેરા’ ફિલ્મમાં સંજય દત્ત વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કામ કરવાના અત્યાર સુધીના અનુભવોને શેર કરતાં વાણીએ કહ્યું કે હું બિનફિલ્મી પરિવારમાંથી આવું છું અને ઇન્ડસ્ટ્રીમાં કોઇ પણ વ્યક્તિ સાથે જલદી ખૂલી શકતી નથી. આવા સંજોગોમાં મારા કો-સ્ટાર રણબીર કપૂરે મને કમ્ફર્ટેબલ અનુભવ અપાવવામાં મોટી મદદ કરી.

રણબીર ખૂબ જ મદદગાર, સ્વીટ અને વિનમ્ર કો-સ્ટાર છે, તેના જેવો સ્વભાવ ખૂબ જ મુશ્કેલીથી મળે છે. તેની સાથે કામ કર્યાની મને ખૂબ જ ખુશી છે. હું ઘણા વખતથી રણબીર કપૂર સાથે કામ કરવા ઇચ્છતી હતી. તે એક સારો અભિનેતા પણ છે. •

You might also like