પિતાની વિરુદ્ધમાં જઈ એક્ટિંગ કરીઃ વાણી

ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર દિલ્હીની વાણી કપૂરની બીજી ફિલ્મ ‘બેફિક્રે’ લાંબા સમય બાદ રિલીઝ થઇ રહી છે. એ વાત અલગ છે કે તેની કરિયરની આ બીજી ફિલ્મ પણ યશરાજ બેનરની છે. પહેલી ફિલ્મ સુશાંતસિંહ રાજપૂત સાથે હતી, જ્યારે બીજી ફિલ્મ રણવીરસિંહ સાથે છે. વાણી કપૂરનો પરિવાર ક્યારેય ઇચ્છતો ન હતો કે તે એક્ટિંગની દુનિયામાં આવે. તે કહે છે કે મારી ઇચ્છા ગ્લેમર વર્લ્ડમાં કરિયર બનાવવાની હતી.

હું મારા પિતાની મરજી વિરુદ્ધ અભિનેત્રી બની છું. મારા પિતાનું માનવું હતું કે છોકરીઓએ ખૂબ જ જલદી લગ્ન કરીને ઘર વસાવી લેવું જોઇએ. મારી મોટી બહેનનાં લગ્ન ૧૮ વર્ષની ઉંમરમાં થઇ ગયાં હતાં, પરંતુ મારા મનમાં આવ્યું તેમ કરવા હું ઇચ્છતી હતી. મેં મારી માતાને પટાવી અને તેણે મને સપોર્ટ કર્યો તેમજ પિતાને મનાવવામાં પણ મદદ કરી.

મૂળ દિલ્હીની રહેવાસી અને મોડલ પણ રહી ચૂકેલી વાણી એક સમયે હોટલમાં કામ કરતી હતી. સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે જયપુરની હોટલમાં ઇન્ટર્નશિપ કરી. ત્યાર બાદ આઇટીસી હોટલમાં કામ કર્યું. ત્યાર બાદ મોડલિંગની દુનિયામાં આવી. યશરાજ ફિલ્મ્સથી જોડાયેલા લોકોએ તેને દિલ્હીની એક ઇવેન્ટમાં જોઇ અને થોડા સમય બાદ આદિત્ય ચોપરાની ઓફિસમાંથી ફોન આવતાં તે પોર્ટફોલિયો લઇને ત્યાં પહોંચી. આ રીતે તેને કામ મળી ગયું. ઓડિશન આપ્યા બાદ તરત જ તેને શુદ્ધ દેશી રોમાન્સ ફિલ્મમાં સાઇન કરી દેવાઇ. •

You might also like