મૂર્તિ તોડવાની ઘટનાઓ પર PM મોદી થયા નારાજ, ગૃહ મંત્રાલય આવ્યું એકશનમાં…

ત્રિપુરામાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ ઘણા વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી છે. આ હિંસામાં ત્રિપુરામાં લેનિન, તમિલનાડુમાં પેરિયારની મૂર્તિ તોડવાની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. સૂત્રોને મળતાં અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રકારની ઘટનાથી ઘણા દુખી થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગૃહ મંત્રાલયે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી દરેક રાજ્યોને આ પ્રકારના મામલે કડક વલણ અપનાવા તાકિદ કરવામાં આવી છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી સાથે પણ વાત કરી હોવાના અહેવાલ મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે 3 માર્ચે આવેલા ચૂંટણી પરિણામ બાદ ત્રિપુરામાં ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શન જોવા મળી રહ્યાં છે. આ હિંસા ભાજપના સમર્થકો દ્વારા કરવામાં આવી રહી હોવાના આરોપ લગાવામાં આવ્યાં છે. ભાજપના સમર્થકો દ્વારા દક્ષિણ ત્રિપુરા ડિસ્ટ્રીકટના બેલોનિયા સબડિવિઝનમાં બુલડોઝરની મદદથી રશિયાના ક્રાંતિના નાયક વ્લાદિમીર લેનિનની મૂર્તિને તોડી પાડવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો.

ત્રિપુરાની ઘટના બાદ તમિલનાડુમાં પણ મોટા સુધારક રહેલા પેરિયારની મૂર્તિ તોડી પાડવામાં આવી છે. આ ઘટના બાદ કોયંબતૂરમાં કેટલા અજાણ્યા શખસોએ ભાજપની ઓફિસ પર પેટ્રોલ બોંબ પણ ફેંક્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

You might also like