વલસાડના ભાજપના સાંસદ પર બળાત્કારનો આરોપ મૂકનાર મહિલા વકીલની અટકાયત

અમદાવાદ: વલસાડના ભાજપના સાંસદ ડો. કે.સી. પટેલ પર મહિલાએ મૂકેલા બળાત્કારના આરોપ બાદ સાંસદે દિલ્હી પોલીસમાં પોતાને એક ગેંગે હની ટ્રેપમાં ફસાવી દીધા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે દિલ્હી પોલીસે મહિલા વકીલની ગાઝિયાબાદ સ્થિત તેના નિવાસ સ્થાનેથી અટકાયત કરી છે. સાંસદે આક્ષેપ કર્યો છે કે આ ગેંગ એક મહિલા ચલાવી રહી છે. તેમને કેફી પીણુ પીવડાવ્યું હતું અને પછી મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં તેમની ફિલ્મ ઊતારી લેવાઈ છે. હવે આ મહિલા પાંચ કરોડ રૂપિયા માગી રહી છે. સાંસદની ફરિયાદ બાદ સ્વયં આ મહિલા મીડિયા સમક્ષ આવી હતી અને તેણે સાંસદના આક્ષેપને નકારી કાઢી જણાવ્યું હતું કે સાંસદે તેને ડરાવીને ધમકાવીને અનેક વાર તેના પર બળાત્કાર કર્યો હતો.

સાંસદ ડો. કે.સી.પટેલની ફરિયાદને પગલે મહિલા સામે બ્લેકમેલ કરવા અને ખંડણી માગવાના આરોપસર પોલીસે આજે સવારે મહિલા વકીલની ગાઝિયાબાદ સ્થિત તેના નિવાસસ્થાનેથી અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મહિલા વકીલે કહ્યું કે સાંસદ ડો. કે.સી. પટેલનો એક કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં તેમની મુલાકાત થઈ હતી. આ કેસના સંદર્ભમાં પટેલે તેમના ૬૦૪, નર્મદા એપાર્ટમેન્ટ ખાતે બોલાવી હતી, જ્યાં તેમણે તેના પર બળાત્કાર કર્યો હતો. જો આ વાત કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિલાના આરોપ મુજબ સાંસદે તેને કહ્યું કે ‘તું મને ઓળખતી નથી.

કેન્દ્રમાં અમારી સરકાર છે, ગુજરાતમાં છે, ઉત્તર પ્રદેશમાં પણ અમારી સરકાર છે. અમે જે ઈચ્છીએ તે કરીશું.’ તેણે કહ્યું કે સાંસદની ધમકીથી તે ખૂબ જ ડરી ગઈ હતી. ત્યારબાદ સાંસદે તેમના ફ્લેટ પર અનેક વાર બળાત્કાર કર્યો હતો.સાંસદ પટેલે કહ્યું છે કે ‘મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે અને દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.’ વલસાડના ૬૭ વર્ષીય સાંસદ ડો. કે.સી. પટેલે પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે આ મહિલા તેમની પાસે મદદ માટે આવી હતી અને દિલ્હી નજીક ગાઝિયાબાદમાં તેના ઘરે સાથે આવવા કહ્યું હતું.

ત્યારબાદ તેમને કેફી પીણુ પીવડાવી વાંધાજનક સ્થિતિમાં ફિલ્મ ઊતારી લેવાઈ હતી. તે પછી મહિલાએ ધમકી આપી હતી કે જો તેઓ પાંચ કરોડ રૂપિયા નહીં આપે તો તેમની સામે બળાત્કારની ફરિયાદ કરશે.૨૮ માર્ચે મહિલાએ તેના પોતાના બચાવમાં સાંસદનો સેક્સ વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ મહિલાએ પટેલને કહ્યું હતું કે ‘તમે મારું ઘણું શોષણ કરી લીધું, હવે હું પોલીસ સમક્ષ તમારી ફરિયાદ કરીશ.’
http://sambhaavnews.com/

You might also like