શ્રીમદ્ વલ્લભાચાર્યજી જયંતી

ચૈત્ર વદ અગિયારશ, તા.૦૩-૦૫-૨૦૧૬, મંગળવાર

સામાન્ય જનસમાજના પ્પાકૃતજનોને ભક્તિનું ખરું રહસ્ય અને મહત્ત્વ સમજાવી ધર્માભિમુખ કરવાનો પ્રયત્ન શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ (શ્રી મહાપ્રભુજી) કરીને પુષ્ટિમાર્ગની આણ ચૌતરફ ફેલાવવામાં પ્રમુખ ફાળો આપ્યો છે. તેઓ ભક્ત પુષ્ટિ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક છે.

તેમના ભૂતલ પર પ્રાગટ્યથી માંડીની આસુરવ્યાહોમલીલા (દેહોત્સર્ગ) સુધીની જીવનલીલી અનેક ચમત્કારિક અને પ્રેરક પ્રસંગોથી ભરપૂર છે. વિક્રમ સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ ગુરુવારના રોજ ચંપારણ્યના વનપ્રદેશના ઔડા ગામે સાતમે અધૂરા માસે ભારદ્વાજ ગોત્રકુળમાં તેમનો જન્મ થયો. મહાપુરુષોના જન્મ કે તિરોધાન ચમત્કારિક હોય છે તેમ પિતા લક્ષ્મણ ભટ્ટ તેનાં સગર્ભા પત્ની શ્રી ઈલ્લમ્માગારજી (પ્રખ્યાત નગરી વિદ્યાનગરના રાજા દાનાધ્યક્ષના બહેન) સાથે કાશીથી દક્ષિણ તરફ આવવા નીકળ્યાં હતાં. માર્ગમાં જ શ્રી ઈલ્લમ્માજીને પ્રસવથી પીડા ઉપડી અને પુત્રનો પ્રસવ થયો. નવજાત શિશુ નિશ્ચેતન જણાતાં તેને શમી વૃક્ષની બખોલમાં કેળના પાનથી ઢાંકી ભટ્ટ દંપતી આગળ ચાલી નીકળ્યું. પરંતુ લક્ષ્મણ ભટ્ટને આંતર પ્રતીતિ હતી કે પોતાના ગોત્રમાં સો સોમયજ્ઞ પૂરા થતાં કોઈ અવતારી બાળક જન્મશે. તેમના ગોત્રમાં ૯૫ સોમયજ્ઞો થયા હતા.

બાકીના પાંચ સોમયજ્ઞો લક્ષ્મણ ભટ્ટજીએ પૂરા કર્યા હતા. માતા ઈલ્લમ્માજીને તો પાછળ મૂકી આવેલો પુત્ર જીવિત જ છે એવા ભણકારા વાગતા હતા. એટલે બંને પાછાં ફરી પ્રસવના સ્થાને આવ્યાં. ત્યાંનું દૃશ્ય જોઈને આશ્ચર્યમુગ્ધ અને ભાવવિભોર બની ગયાં. બખોલમાં મૂકેલું નવજાત શિશુ અગ્નિથી રક્ષાયેલું અને હાથપગ ઉછાળતું હતું. શિશુને લઈને તેઓ તરત જ ઔડા ગામે પાછા ફર્યાં.

બીજી બાજુ ગોવર્ધન પર્વત પર તે જ દિવસે શ્રીનાથજીના મુખારવિંદનાં દર્શન થયાં એટલે તેઓ વદનાવતાર પણ કહેવાય છે. આ નવજાત શિશુ ગળા પર અપૂર્વ તેજસ્વી, અનુપમ ચરિત્રવાન, પરમગુણોથી અલંકૃત, અદ્ભુત સંત, શ્રીકૃષ્ણભક્તિની સુધાધારાના પ્રવાહક, પતનોન્મુખ ભારતના ઉદ્ધારક અને પુષ્ટિમાર્ગના દિવાકર શ્રી વલ્લભાચાર્યજીના નામથી વિશ્વપ્રસિદ્ધ થયા.

શ્રી ‘વલ્લભ’ના છઠ્ઠા જન્મ દિવસે યજ્ઞોપવીત સંસ્કાર કરાવી સાતમા વર્ષે માધવેન્દ્ર યતિજીની પાઠશાળામાં અધ્યયન માટે મોકલ્યા. અભ્યાસમાં તેઓ તેજસ્વી હતા. દરેક વિષયનું ઊંડું અધ્યયન કરી પૂર્ણવિદ્ધતા પ્રાપ્ત કરી લીધી. ૧૧ વર્ષની ઉંમરે કાશી પહોંચી વિદ્વાનોને પોતાની ચમત્કારિક સૂઝબૂઝ અને અગાધ પાંડિત્યથી પ્રભાવિત કર્યા અને શુધ્ધાદ્વૈત સિદ્ધાંતનો પ્રચાર કરવા લાગ્યા. તે જ રીતે તેમણે જગન્નાથપુરીમાં માયાવાદીઓને પરાસ્ત કર્યા.

જગન્નાથપુરીમાં શ્રીમદ્ વલ્લભે પ્રભુ જગદીશનાં દર્શન કરી, સ્તુતિ કરી અને એકાદશી વ્રતને સદાને માટે જગન્નાથના ચરણોમાં મૂકી દીધું. આ કારણે પુષ્ટિ સંપ્રદાયમાં એકાદશીના દિવસે પણ રોજભોગ ધરાવાય છે. ઓરિસ્સામાં ગજપતિ પુરુષોત્તમ રાજાના દરબારમાં વિદ્વાનોની સભા યોજાઈ હતી. તેમાં ચર્ચાની એરણ પર ચાર પ્રશ્નો હતા ઃ મુખ્ય શાસ્ત્ર કયું? મુખ્ય દેવ કયાં? મુખ્ય કર્મ કયું? મુખ્ય મંત્ર કયો?

શ્રી વલ્લભે ગીતાના પંદરમા અધ્યાયનો આધાર લઈ આ પ્રશ્નોનું નિરાકરણ કર્યું. “શ્રીમદ્ ભગવદ્ગીતા એકમાત્ર ગ્રંથ, શ્રીકૃષ્ણ એકમાત્ર દેવ, શ્રી કૃષ્ણ શરણં મમ્ એકમાત્ર મંત્ર અને શ્રીકૃષ્ણની સેવા તે મનુષ્યનું એકમાત્ર કર્મ.” ઉપસ્થિત સર્વે ભારે પ્રભાવિત થયા અને ‘બાલસરસ્વતી’નું ઉપનામ પામ્યા. આ પ્રસંગ ૧૪ વર્ષની ઉંમરે ૧૫૪૯માં નોંધાયો હતો.•

You might also like