‘વેલેન્ટાઈન ડે’એ ગોલ્ડન રોઝ અને જ્વેલરીની ગિફ્ટનો નવો ટ્રેન્ડ

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: આજે અમદાવાદ સહિત દેશભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. યુવાઓ અને મોટેરાંઓ તેની ખાસ ઉજવણી કરી રહ્યાં છે ત્યારે સામાન્ય રીતે આજે લાલ રંગનું ગુલાબ આપવાનો ટ્રેન્ડ છે, પરંતુ હવે સાદા ગુલાબનું સ્થાન ગોલ્ડન રોઝ લઇ રહ્યા છે. આ વર્ષે બજેટ મુજબ ગોલ્ડન રોઝ આપવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

બજેટ મુજબ હવે અવનવા ગોલ્ડન રોઝ બજારમાં ઉપલબ્ધ છે, જેમાં રિયલ ગોલ્ડ અને ગોલ્ડ પ્લેટેડ-બંને પ્રકારના રોઝની ખરીદી થઈ રહી છે. આ અંગે રોશની જ્વેલર્સના માલિક રોનક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અમે પ૦ ગોલ્ડ પ્લેટેડ રોઝ અને ૧૦ ગોલ્ડન રોઝનો ઓર્ડર મેળવ્યો છે, જેમાં બજેટ પ્રમાણેના વજનથી રોઝનું મેકિંગ થાય છે.

કેટલીક ડિમાન્ડ મુજબ ગોલ્ડ પ્લેટિંગવાળા રોઝ પણ તૈયાર કરાયા છે. આ પ્રકારના ગોલ્ડ કે મેટલ બેઝ્ડ રોઝ લાંબો સમય ટકી રહે છે. ગોલ્ડન રોઝ ઉપરાંત ડાયમંડ રિંગ, પ્લેટિનમ પેન્ડન્ટ અને હાર્ટ શેપના પેડન્ટની ડિમાન્ડ પણ રહી છે.

આ અંગે અંબિકા જ્વેલર્સના માલિક આશુતોષભાઈએ જણાવ્યું હતું કે અમે ગોલ્ડ નહીં, પરંતુ ગોલ્ડ પ્લેટેડ લો બજેટ રોઝના ૧૦૦થી વધુ ઓર્ડર બુક કર્યા હતા, જેનું વેચાણ થઈ ચૂક્યું છે. પુરુષો માટે ગોલ્ડ પ્લેટેડ બેલ્ટનું વેચાણ પણ સારા પ્રમાણમાં થયું છે, જોકે હજુ પણ રિયલ ફ્લેવર બુકે, રોઝ બુકેનો ક્રેઝ પણ યથાવત્ છે. રૂ.પ૦થી શરૂ કરીને રૂ.પ,૦૦૦ સુધીનાં ફ્લેવર બુકે બજારમાં ઉપલબ્ધ છે.

ધનિક વર્ગનાં યુગલો ચાંદીની વરખથી મઢેલાં અને વિદેશી ફૂલથી સજાવેલાં પ થી ૭ ફૂટનાં બુકે પણ ખરીદી રહ્યાં છે. આજે બજારમાં ગુલાબના ભાવ વધીને ત્રણ ગણા થયા છે. રૂપિયા દસમાં વેચાણ થતા ગુલાબ આજે રૂ.૩૦થી પ૦ના ભાવે વેચાણ થઈ રહ્યા છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે અને વસંતપંચમી બંને દિવસ ખાસ માનવામાં આવે છે.

વેલેન્ટાઇન ડેના દિવસે આજે શુભ મુહૂર્ત હોવાના લીધે ઠેર ઠેર લગ્ન પણ યોજાયાં છે. દુકાન અને મોલમાં જ્વેલરી, ફ્લાવર્સ, ટેડીબેર્સ, ચોકલેટ અને અન્ય ગિફ્ટ માટે ખાસ કાઉન્ટર બનાવવામાં આવ્યાં છે. વેલેન્ટાઈન ડેના પ્રસંગે લવ સોંગ્સની પણ બોલબાલા રહે છે. લવ કાર્ડ, લવ વોચ, ગોગલ્સ, લવ બેલ્ટ, લવ ડોલ, કોલેજ બેગ, ચોકલેટ, ટેડી બેર અને ફેન્સી રોઝ તો ખરા જ. ઠેર ઠેર આજે વેલેન્ટાઇન ડેની રોનક જોવા મળી રહી છે.

You might also like