વાજપેયી જૂની ફિલ્મોના શોખીન હતાઃ હેમાની ‘સીતા ઔર ગીતા’ રપ વાર જોઈ હતી

મુંબઇ: ‘ભારતરત્ન’ પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું ગઇ કાલે નિધન થયું. અટલજી છેલ્લાં નવ અઠવાડિયાંથી હોસ્પિટલમાં એડમિટ હતા અને ર૪ કલાકથી વેન્ટિલેટર પર હતા. ૯૩ વર્ષીય અટલબિહારી વાજપેયી ર૦૦૯થી વ્હિલચેર પર હતા.

અટલજી એક એવા વ્યકિત હતા, જે ચૂંટણી હાર્યા બાદ ફિલ્મ જોવા ચાલ્યા જતા. નવ વર્ષ બીમારીમાં વીતાવનાર અટલજીને જૂની ફિલ્મો ખૂબ જ પસંદ હતી અને તેઓ ટીવી પર આવનારી જૂની ફિલ્મો જોતા રહેતા હતા.

ખૂબ જ પસંદ હતી ત્રણ ફિલ્મોઃ અટલજીની ફેવરિટ હિંદી ફિલ્મોમાં દિલીપકુમાર અને વૈજયંતી માલાની ૧૯પપમાં આવેલી ‘દેવદાસ’, ૧૯૬૩માં આવેલી અશોકકુમાર, નૂતન અને ધર્મેન્દ્રની ‘બંદિની’ ઉપરાંત ૧૯૬૬માં આવેલી રાજ કપૂર અને વહીદા રહેમાનની ‘તીસરી કસમ’ સામેલ હતી.

તેઓ હોલિવૂડની ફિલ્મો પણ જોતા હતા, તેમાં તેમને ‘બ્રિજ ઓવર રિવર કવાઇ’, ‘બોર્ન ફ્રી’ અને ‘ગાંધી’ અત્યંત પસંદ હતી.

ફેવરિટ કલાકારોઃ અટલજીને સંજીવકુમાર અને દિલીપકુમાર ખૂબ જ પસંદ હતા. બીજી બાજુ અભિનેત્રીઓમાં તેમને નૂતન, રાખી ગુલઝાર અને હેમામાલિની અત્યંત પસંદ હતાં. હેમામાલિનીની સીતા ઔર ગીતા’ ફિલ્મ તેમણે રપ વાર જોઇ હતી. અટલજીને એસ. ડી. બર્મનનું ગાયેલું ‘ઓ રે માંઝી…’ ખૂબ જ પસંદ હતું.

તેમને લતા મંગેશકર, મૂકેશ અને મોહંમદ રફીનાં ગીતો સાંભળવાં ખૂબ જ ગમતાં હતાં. મૂકેશ અને લતાના અવાજમાં ગવાયેલું ફેમસ ગીત ‘કભી કભી મેરે દિલ મેં…’. તેમને ખૂબ જ પસંદ હતું.

હેમામાલિનીને પહેલી વાર મળતાં શરમાઇ ગયા હતાઃ દેશભરમાં દરેક ઉંમરના લોકો જેના ફેન હતા તેવા અટલબિહારી વાજપેયી ખુુદ અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમામાલિનીના મોટા ફેન રહી ચૂક્યા છે. હેમામાલિનીએ તેમની સાથે પહેલી મુલાકાતનો કિસ્સો જણાવતાં કહ્યું કે જ્યારે પહેલી વાર તેઓ મને મળ્યા ત્યારે વાત કરતાં શરમાતા હતા અને નજર નીચી કરીને બેસી રહ્યા હતા.

રાજનીતિમાં આવ્યા બાદ મેં જ્યારે અધિકારીઓને કહ્યું કે હું મારી સ્પીચમાં અટલજીનું નામ વારંવાર લઇ ચૂકી છું, પરંતુ હજુ સુધી તેમને મળી નથી. ત્યાર પછી મને તેમને મળવા લઇ જવાઇ. મિટિંગ દરમિયાન વાત કરતી વખતે વાજપેયીને સંકોચ થયો હતો.

You might also like