વૈષ્ણોદેવી બરફથી છવાઈ ગયુંઃ ત્રિકૂટ પહાડીઓ પર ચારથી પાંચ ફૂટ બરફ

શ્રીનગર: કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફરીવાર બરફ વર્ષા થઈ છે. એક બાજુ કાશ્મીર ખીણ દેશના અન્ય ભાગોથી વિખૂટી પડી ગઈ છે અને શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે તો બીજી બાજુ વૈષ્ણોદેવીના ભવન, ભૈરવ ઘાટી અને ત્રિકૂટ પહાડીઓ પર ભારે હિમ વર્ષા થઈ છે. ત્રિકૂટ પહાડીઓ પર ચારથી પાંચ ફૂટ બરફ પડ્યો છે, જ્યારે વૈષ્ણોદેવી ભવન પર એક ફૂટ અને ભૈરવ ઘાટીમાં બે ફૂટ બરફ જમા થયો છે.

વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તરફથી બરફને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કે જેથી ટ્રેકને સાફ કરી શકાય. શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ આખું બરફથી ઢંકાઈ ગયું છે. કાશ્મીરમાં રેલવે સર્વિસમાં સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી છે. શ્રીનગર એરપોર્ટ પરથી પાંચ ફ્લાઈટ રદ કરવી પડે છે. જવાહર ટનલ અને શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર બાકીના વિસ્તારોની આસપાસ બે ફૂટ બરફ પડ્યો છે.

જેમાં ગુલમર્ગમાં બે ફૂટ બરફ પડ્યો છે. જ્યારે સિમલામાં પણ ૧૦ સેમી બરફ વર્ષા થઈ છે તેના કારણે ઠેરઠેર બરફના થર જામી ગયા છે. અને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. બરફ વર્ષા થતાં હવાઈ સેવા પર માઠી અસર પડી છે. તેમજ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગાઢ ધુમ્મસથી દિલ્હી તરફ આવતી જતી ૨૭ ટ્રેન મોડી દોડી રહી છે જ્યારે ત્રણ ટ્રેન રદ કરવાની ફરજ પડી છે. જોકે દિલ્હીમાં ઠંડીમાં રાહત મળી છે.

સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર દિલ્હીના પાલમ અને સફદરજંગમાં સવારે ૫-૩૦ કલાકે વિઝિબિલિટી ૨૨૦૦ અને ૧૨૦૦ મીટર નોંધાઈ હતી. જે સવારે ૮-૩૦ કલાકે ૧૦૦૦ અને ૮૦૦ મીટર થઈ ગઈ હતી. શ્રીનગર અને કાશ્મીરના અન્ય બે શહેરમાં પણ બરફ વર્ષા થઈ છે. જવાહર સુરંગ અને શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે સાથે સંકળાયેલા બાકીના વિસ્તારમાં પણ બે ફૂટ બરફ પડ્યો છે. આ ઉપરાંત શ્રીનગરમાં ૭.૪ સેમી, પહલગાંવમાં ૩.૫, કાકેરનાગમાં ૭.૫ અને કૂપવાડામાં બે સેમી બરફ પડ્યો છે. જેના કારણે બારામુલ્લા અને બનિહાલ સેકસન વચ્ચે રેલવે વ્યવહાર અટકાવી દેવાયો છે.

લેહ સૌથી ઠંડો પ્રદેશ
ગુલમર્ગ કાશ્મીર ખીણનું સૌથી ઠંડુ શહેર ગણાય છે. જ્યાં લઘુતમ તાપમાન માઈનસ આઠ ડિગ્રી રહ્યું છે. જ્યારે સમગ્ર રાજયમાં લેહ સૌથી ઠંડો પ્રદેશ રહ્યો છે. જ્યાં લઘુતમ તાપમાન માઈનસ ૧૦.૧ ડિગ્રી રહ્યું હતું. જ્યારે કારગિલમાં તાપમાન માઈનસ ૪.૮ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી છે કે આ વિસ્તારમાં ફરી બરફ પડવાની અથ‍વા બે દિવસ વરસાદ પડે તેવી સંભાવના છે.

હિમાચલમાં ત્રણ દિવસ બરફ પડશે
દરમિયાન હિમાચલ પ્રદેશમાં રોડ પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરવામા આવી છે. અને બરફ પડવાથી આ વિસ્તારમાં ઠંડીનું જોર વધી ગયુ છે. જેના કારણે જનજીવન પર અસર પડી છે. સિમલામાં તાપમાન માઈનસ ૦.૩ ડિગ્રી થઈ ગયુ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વિસ્તારમાં હજુ પણ ત્રણ દિવસ બરફવર્ષા થવાની સંભાવના છે.

ઉત્તરભારતમાં કાતિલ ઠંડી
પહાડી વિસ્તારમાં બરફ પડતા સમગ્ર ઉત્તર ભારતમાં હાલ કાતિલ અને હાડ થિજવતી ઠંડી પડી રહી છે. દિલ્હી, યુપી, બિહાર સહિત અનેક રાજ્યમાં કાતિલ ઠંડી પડતા જનજીવન ઠપ થઈ ગયુ છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થતા ભારે હાલાકી અનુભવાઈ રહી છે. પહાડી વિસ્તારમાંથી સતત ઠંડા પવન વહેતા ઉત્તરપ્રદેશના અનેક વિસ્તાર કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયા છે.
http://sambhaavnews.com/

You might also like