વડતાલઃ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાતીર્થ

પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે જેને પોતાની લીલાભૂમિ અને કર્મભૂમિ બનાવીને સકળ તીર્થોમાં શિરોમણી બનાવેલું છે, એ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર માનવામાં આવે છે. આ મંદિરમાં ૧૮૪૨માં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.

અહી લક્ષ્મીનારાણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. સ્વામિનારાયણનાં મંદિરમાં ઘણુ ખરું સ્વામિનારાયણની પોતાની મૂર્તિ જ હોય છે. તત્વજ્ઞાનની બાબતમાં સ્વામિનારાયણ સંપ્રદાયો રામાનુજનો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માન્ય કરે છે. વડતાલમાં મુખ્ય મંદિરની આસપાસ ત્રણ માળની મોટી હલેવી આવેલી છે. જેમાં આચાર્યો સાધુઓ અને બ્રહ્મચારીઓ રહે છે. આ ઉપરાંત વડતાલમાં પથ્થરથી બાંધવામાં આવેલું એક તળાવ છે જેને ગોમતી તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. માણસને જે ભવસાગરમાંથી તારે એ મહાતીર્થ કહેવાય છે. આવું જ એક મહાતીર્થ એટલે વડતાલ.

આ સંપ્રદાયના મુખ્ય ચાર ધામમાં વડતાલને મુખ્ય ગણીને બીજા મંદિરો બાંધવાની છૂટ આપી હતી. વડતાલ એ ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલાભૂમિ, કર્મભૂમિ અને ઉત્સવભૂમિ ગણાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વિક્રમ સંવત ૧૮૬૨માં જેમ ગઢડાના પ્રેમી ભક્તોને નિત્ય દર્શનનો લાભ મળે તે હેતુથી શ્રી રાધિકાની સાથે શ્રી વાસુદેવની મૂર્તિ દાદા ખાચરના દરબારમાં એક ઓરડામાં પધરાવી હતી.

પછી બે વર્ષમાં વડતાલના પ્રેમી ભક્તોને લાભ મળે એટલે વડતાલમાં પણ બદરી વૃક્ષની બાજુએ એક ઓરડીમાં શ્રી નરનારાયણની યુગલ મૂર્તિ પધરાવી હતી, વડતાલ અને ગઢડાના મંદિરોનું ભગવાન સ્વામીનારાયણે જાતે પૂજન કર્યું હતું.સ્વામિનારાયણ સંપ્રદાયનાં શિખર બંધ મંદિરો પૈકી વડતાલના મંદિરમાં જેવો વિશાળ કલાત્મક સભામંડપ છે તેવો અન્યત્ર ક્યાંય બંધાયેલો નથી.

સભામંડપ બે માળનો છે. પહેલો અને બીજો માળ સભાખંડ તરીકે ઓળખવામાં આવે છે. સભાખંડની માપણી જમીનથી પાંચ ફૂટ ઊંચી છે. બે સમાંતર ઠેકાણે મૂકેલા પાંચ પગથિયા ચઢીને તેમાં દાખલ થવાય છે. દરેક થાંભલાની ઉંચાઈ બરાબરની છે. તો વળી ગોળ થાંભલાઓ ઉપર બારિક નકશીકામ કરવામાં આવ્યું છે.

સભામંડપ પૂર્વ પશ્ચિમ પહોળો અઠ્ઠાવન ફૂટ અને ઉત્તર દક્ષિણ લાંબો ૧૪૩ ફુટ છે. સભામંડપનો ઉત્તર છેડો હરિ મંડપના મકાન સાથે લાકડાના પુલથી જોડી દેવામાં આવ્યા છે. એ તરફ આ પગથિયાં મુકાવેલાં છે. બંધની ઊંચાઈ, પહોળાઈ તથા લંબાઈ એ બધું સભામાં હવા પ્રકાશ અને પ્રતિધ્વનિ વૈજ્ઞાનિક યોજના મુજબ થયેલું છે. એટલે સભામાં થતી કથા અને પ્રવચન સભામંડપમાં વ્યાસપીઠથી દૂર બેઠેલા શ્રોતાગણ વિના પ્રયાસે સાંભળી શકે છે.

મંદિર આચાર્યનું સ્થાપનાનું સ્મારકસ્થાન, હરિ મંડપ અને જ્ઞાનકુર સભામંડપનું થયેલું આયોજન દર્શનાર્થીઓને એકબીજા સાથે સંકળાયેલા રાખવાની દૃષ્ટિએ થયેલું જણાય છે.મંદિરની ઉત્તરે આવેલું બે માળનું અક્ષર ભુવન પવિત્ર સ્થાન છે. એના પહેલા અને બીજા માળે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભોગમાં આવેલી વસ્તુઓ ગાદલાં, રજાઈઓ, વાસણ,વસ્ત્રો અલંકારો, માળીઓ, બેરખા, કંઠીઓ, ચિત્રો, પુસ્તકો, સિક્કા, લાકડીઓ વગેરે ભેગા કરવામાં આવેલાંં છે અને સુરક્ષિત રાખવામાં આવ્યાં છે.

અક્ષર ભુવનમાં શ્રીજી મહારાજ બે બારી બારણાંના હિંડોળામાં ઊગમણાં ઓટે ઝુલ્યા હતા. તે પણ વચલાં બારણાં વિનાની હાલતમાં સચવાયેલા છે. જે આરતી વડે ભગવાન સ્વામિનારાયણે શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે આરતી ઉતારી હતી. તે આરતી જૂની શિક્ષાપત્રી મહાભારતનું ઐતિહાસિક પુસ્તક, જુદા જુદા પ્રસંગે પહેરેલી ચાખડીઓ, શ્રીજી મહારાજને શરીરનું ચંદન ઉતારીને તેનો વાળેલો ગોળો, અભિષેક કરવામાં આવ્યો હતો તે ગાગર વગેરે રાખવામાં આવ્યા છે. જે રથમાં બેસીને શ્રીજી મહારાજ બોચાસણથી વડતાલ આવ્યા હતા તે રથ પણ હાજર છે.

ગામની દક્ષિણે ગોમતીજી તીર્થક્ષેત્ર આવેલું છે. આ સરોવર ત્રિવેણી સંગમ કરતાં પણ વધારે પવિત્ર તીર્થ સ્વરૂપ છે. તેમાં પરમાત્માએ જાતે ચોકડીઓ ખોદેલી છે. જાતે તેની માટી ઉપાડી છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે એ તળાવ ખોદાવીને ગોમતી નામે પ્રસિદ્ધ કર્યું છે.વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં પૂર્વ ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલા દરવાજાઓમાંથી મંદિરમાં દાખલ થઈને એટલે સૌથી પહેલા ધ્યાન ખેંચે છે ત્યાંના સૌથી બારિક નકશીકામ વાળા થાંભલાઓ.

મંદિરમાં કુલ્લે મળીને ૩૮ થાંભલાઓ આવેલા છે. મોટા શિખરો નીચે દેવધરો શોભે છે. દેવધરમાં સુવર્ણના સિંહાસન ઉપર શ્રી રણછોડજી શ્રી સ્વામિનારાયણ અને શ્રી લક્ષ્મીજીની પ્રાસાદિક મૂર્તિઓ છે. ઉત્તર શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી વાસુદેવ શ્રી ધર્મદેવ અને શ્રી ભક્તિદેવી દર્શન આપે છે. દક્ષિણ શિખર નીચે આવેલા દેવધરમાં શ્રી હરિકૃષ્ણ મહાદેવ, શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજી આશ્રિતોને દર્શન આપે છે. ચાર નાનાં નાનાં શિખરો નીચે આવેલા દેવધરોમાં મત્સ્ય નારાયણ કુર્મ નારાયણ નૃસિંહ નારાયણ વરાહ નારાયણ શેષ નારાયણ અને સૂર્ય નારાયણની સુંદર મૂર્તિઓ શોભે છે. ત્રણેય મોટા શિખરો નીચે આવેલા દેવ દરવાજા સુવર્ણના છે.

શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયના મંદિરોમાં ધર્મભક્તિની પ્રતિષ્ઠા સૌ પ્રથમ વડતાલમાં કરેલી છે. આમ વડતાલ એ સ્વામિનારાયણ સંપ્રદાયનું મહાતીર્થ છે. •

You might also like