વડતાલ મંદિરમાં ભાડે મૂકવાનું કહી ૧૬ કાર લઈને આબાદ ઠગાઈ

અમદાવાદઃ વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગાડીઓ ભાડે આપવાનું જણાવી 16 જેટલી લક્ઝુરિયસ કાર મેળવી સાત લોકોએ રૂપિયા એક કરોડની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
કઠલાલ રોડ પર આવેલા ન્યૂ અમર પાર્ક ટેનામેન્ટમાં રાહુલ મીઠાભાઇ પરમાર તેમના પરિવાર સાથે રહે છે. રાહુલના પિતા રિટાયર્ડ પીએસઆઇ છે. 1995માં કેડિલા બ્રિજ નજીક આવેલી વૈભવ સોસાયટીમાં તેઓ રહેતા હતા ત્યારે પડોશમાં રહેતા મનીષ જગદીશભાઇ પટેલ અને બંસી ઉર્ફે કિરણ જગદીશભાઇ પટેલના પરિવાર સાથે ઓળખાણ થઇ હતી. 11 જાન્યુઆરી 2017ના રોજ આંણદના વડતાલ વિદ્યાનગર રોડ પર આવેલ આત્મીય ફ્લેટમાં રહેતા મનીષ જગદીશભાઇ પટેલ રાહુલના ઘરે આવ્યા હતા અને સાથે ધંધો કરવાની તેવી વાત કરી હતી.

બંનેએ જણાવ્યું હતું કે વડતાલમાં આવેલા સ્વામિનાયારણ મંદિરના મહંત જ્ઞાનપ્રકાશ સ્વામી ઓળખે છે. વડતાલ મંદિરમાં લકઝુરિયસ કારની જરૂર હોઇ તેમાં ગાડી મૂકવાની છે. તેના બદલે મહિને 30 હજાર રૂપિયા મળશે. અમારી સાત ગાડી મંદિરમાં હોવાનો વિશ્વાસ આપતાં મીઠાભાઇએ તેમની કાર આપી હતી. તે પછી આસપાસના લોકોને વિશ્વાસમાં લઇ વધુ કાર લઇ લીધી હતી. તમામ કારની જવાબદારી મનીષભાઇની હોવા અંગેનું સ્ટેમ્પ પેપર પણ લખાણ કરી આપ્યુ હતું. 13 જાન્યુઆરીના રોજ મનીષભાઇ રાહુલના પિતાની અર્ટીગા ગાડી આપીને પરત જતા રહ્યા હતા. બીજા દિવસે મનીષભાઇ અને તેમના પરિવારજનોને ફોન કરતાં તેઓના મોબાઇલ સ્વિચ ઓફ આવતા હતા.

મોબાઇલ ફોન બંધ આવતાં તેમના નાના ભાઇ કિરણભાઇ જગદીશભાઇ પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે બધાના મોબાઇલ ફોન સ્વિચ ઓફ આવતા હોવાની વાત સાચી છે અને સંપર્ક થતો નથી. કારના માલિકોએ મનીષભાઇ અંગેની પૂછપરછ કરી હતી. કિરણભાઇએ તમામને પોલીસ ફરિયાદ ન કરવા વિનંતી કરી હતી. રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી.રાઠોડ અને રિટાયર્ડ પીએસઆઇ એસ.એન.રોહિત સાથે ચર્ચા કરતા કિરણભાઇ પટેલ, પરાગ પટેલ અને સંજય ધીરુભાઇ અંબાણી આવ્યા હતા. તમામની રૂબરૂમાં કિરણભાઇએ વિશ્વાસ આપ્યો હતો કે તમારા બધાની કાર સલામત છે અને ગુજરાતનાં અલગ અલગ સ્વામિનારાયણ મંદિરોમાં તમારી ગાડી ફાળવેલી છે. હાલમાં મનીષભાઇનો સંપર્ક થતો ના હોઇ તમામ વાહનો પરત આપવાની બાંયધરી આપી હતી. જો ગાડીઓ પરત ન આપી શકે તો માર્કેટ વેલ્યુ મુજબ રૂપિયા પરત આપવાનું જણાવ્યું હતું.

કિરણભાઇએ ગાડીઓના માલિકને જણાવ્યું હતું કે હું ભાજપનો યુવા પ્રમુખ છું અને 20 રાજ્યમાં મારી ઓળખાણ છે પીએમઓ ઓફિસમાં સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ છું ઉપરાંત ભવિષ્યનો દસ્કોઇનો ભાવિ એમએલએ છું. રાજ્યના હોમ મિનિસ્ટર સાથે ઊઠ બેસ છે તેમજ સચિવ નંદા સાહેબ તેમજ તનેજા સાહેબ સાથે સારી ઓળખાણ છે. ગાડીઓ પરત ના આપતાં ગાડીઓની કિંમતના ચેક લઇ જવાનું કિરણભાઇ અને તેમનાં માતાએ જણાવ્યું હતું. જેથી 40 લાખ અને 38 લાખના બે ચેક આપ્યા હતા. પરંતુ આ 78 લાખના ચેકની સામે બેલેન્સ રૂપિયા 113 હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મનીષ, કિરણ, મનીષભાઇનાં પત્ની, મનીષભાઇનાં માતા, કિરણની પત્ની, લાલુભાઇ અને ગાડીઓ લેવા આવેલી વ્યકિત વિરુદ્ધમાં રાહુલ પરમારે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

http://sambhaavnews.com/

You might also like