વડોદરાઃ MSUમાં ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ, વિદ્યાર્થી સંઘનાં પ્રચાર પડઘમ શાંત

વડોદરાઃ શહેરની એમ.એસ યુનિવર્સીટીનાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત થયાં છે. જો કે NSUI, ABVP સાથે સ્થાનિક ગ્રુપો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થી નેતાઓ જીતનાં દાવા કરી રહ્યાં છે. વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં NSUIનો દબદબો છે.

જો કે છેલ્લાં ઘણાં વર્ષોથી NSUI અને ABVPમાંથી છુટ્ટા પડેલા ગ્રુપો પણ સારું કામ કરી રહ્યાં છે. જેનાં કારણે અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આજે ચૂંટણી પ્રચારનાં છેલ્લાં દિવસે ત્રણેય જૂથનાં ઉમેદવારોએ જીત માટેનાં દાવાઓ કર્યા છે અને જીત મતદારો માટે વચનો પણ આપ્યાં છે.

મહત્વનું છે કે આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે દરેક ફેકલ્ટીમાં મતદાન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 101 મતદાન બુથો ઉભા કરવામાં આવ્યાં છે. મોટા ભાગે આખી પ્રક્રિયાનું વિડીયો રેકોર્ડીંગ અને સીસીટીવીનાં માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એમ.એસ યુનિવર્સીટીનાં વિજિલન્સનો ઉપયોગ કરવામાં આવશે અને તે ઉપરાંત સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસની મદદ લેવામાં આવશે.

એમ.એસ યુનિ.ની ચૂંટણીમાં સામાન્ય રીતે બે જ પક્ષો મેદાનમાં હોય છે. જો કે આ વખતે અહીં ABVP, NSUI ઉપરાંત વીવીએસ ગ્રુપ અને આઈસ ગ્રુપ તેમજ જય હો ગ્રુપનાં સભ્યો સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે. જેનાં કારણે આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહેલ છે અને ઉમેદવારો અને સમર્થકો એડીથી ચોંટી સુધીનું જોર લગાવી રહ્યાં છે.

You might also like