વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં વિદેશી અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી

અમદાવાદ: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં અાવેલા પારૂલ યુનિવર્સિટીમાં ગત રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ૧૫ જેટલા વિદ્યાર્થીઓને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં એક વિદ્યાર્થી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે પારૂલ યુનિવર્સિટીમાં ગત રાત્રે મૂળ નવસારીનો રહેવાસી યશ ગૌતમ અને તેના મિત્રો ઈન્ટરનેશનલ હોસ્ટેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મૂળ અફઘાની વિદ્યાર્થી મોહમ્મદ ઓમિદ નકીબુલ્લાહ સહિતના વિદ્યાર્થીઓએ અમારી સામે કેમ જુઓ છો અને બોલાચાલી કરી હતી. બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે અફઘાનિસ્તાન, નાઈઝિરિયા તેમજ અન્ય દેશના વિદ્યાર્થીઓ દોડી અાવ્યા હતા. બીજી તરફ અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓનું ટોળુ સામસામે ધસી અાવ્યું હતું અને મારામારી શરૂ કરી દીધી હતી.

બે જૂથોએ સામસામે પથ્થરમારો અને બેન્ચ તોડી એક બીજા પર ફેંકી હતી. અા મારામારીમાં ૧૫ જેટલા વિદ્યાર્થીઓને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં હિતેશ પટેલને ગંભીર ઈજા થવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં વાઘોડિયા અને ડભોઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે યુનિવર્સિટી કેમ્પસમાં પરિસ્થિતિને કાબૂમાં લઈ અને મોટો કાફલો ખડકી દીધો હતો. હાલમાં અા અંગે હત્યાના પ્રયાસ, રાયોટિંગ તેમજ અન્ય કલમ હેઠળ સામસામે ગુનો નોંધી અને અારોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે.

http://sambhaavnews.com/

You might also like