રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. દોઢ લાખ રૂપિયામાં મકાન વેચાણ લેવાનાં મામલે આધેડની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આધેડની હત્યા કરનાર આરોપીની પોલીસે ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધી છે.

વડોદરાનાં આજવા રોડ પર આવેલા એકતાનગરમાં રહેતા જયંતીભાઇ પરમારની કરપીણ હત્યા કરવામાં આવી છે. પાડોશમાં રહેતા અશોક ઉર્ફે ડોક્ટર રમણ સોલંકીએ તેની હત્યા કરી હોવાનું સામે આવતાં પોલીસે તેની ધરપકડ કરી છે. અશોક ઉર્ફે ડોક્ટર સોલંકીએ જયંતીભાઇ પાસે તેમનું મકાન દોઢ લાખ રૂપિયામાં વેચાણ માગ્યું હતું. જયંતીભાઇએ મકાન વેચાણ આપવાનો ઇન્કાર કરી દેતાં અશોકે તેમની સાથે ઝઘડો કર્યો હતો.

ચાની લારી પાસે અશોક ઉર્ફે ડોકટર તેના મિત્રો સાથે મળીને મકાન વેચાણ લેવા માટે જયંતીભાઇ સાથે ઝઘડો કર્યો હતો. જોતજોતામાં મામલો એ હદે બીચક્યો કે અશોકે જયંતીભાઇનાં માથામાં લોખંડની પાઇપ ફટકારી હતી જ્યારે તુષારે જયંતીભાઇને પકડી રાખતાં આદીએ છાતીનાં ભાગે ફેંટો મારી હતી.

જયંતીભાઇ પર હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ નાસી ગયા હતાં. સ્થાનિકોએ જયંતીભાઇને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બાપોદ પોલીસે અશોક, તુષાર અને આદી સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે જયંતીભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

You might also like