વડોદરામાં મીઠાઇ-ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગનો સપાટો, વેપારીઓમાં ફફડાટ

વડોદરાઃ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરામાં કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. વડોદરામાં મીઠાઈ અને ફરસાણ વેચનારા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યાં છે. વડોદરા શહેરમાં ચાર જુદી-જુદી જગ્યાએ આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ ફરસાણ અને મીઠાઈનાં સેમ્પલ લઈને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રક્ષાબંધનનાં તહેવારમાં લોકો મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતાં હોય છે ત્યારે આ વખતે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વડોદરા કોર્પોરેશનની ટીમ અત્યારથી જ સતર્ક થઈ ગઈ છે. મહત્વનું છે કે વડોદરા કોર્પોરેશનની આરોગ્ય ખાતાની ટીમ દ્વારા શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડાં પાડીને સેમ્પલ લેવામાં આવ્યાં છે.

રક્ષાબંધનને ગણતરીનાં જ દિવસો બાકી છે ત્યારે હવે આરોગ્યખાતું હરકતમાં આવ્યું છે અને શહેરનાં ગોત્રી-સેવાસી, ખંડેરાવ માર્કેટ, માંજલપુર, અલકાપુરી જેવાં વિસ્તારની દુકાનોમાં દરોડા પાડીને આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે શહેરમાં મીઠાઇની દુકાનોમાં પૂરજોશથી જાતભાતની વાનગીઓ અને ફરસાણ બનાવવાની શરૂ થઇ ગઇ છે. ત્યારે તેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગે શહેરમાં સપાટો બોલાવ્યો છે. જેમાં પેંડા, જલેબી અને અન્ય ખાદ્યચીજોની તપાસ હાથ ધરાઇ હતી. જો કે આ તપાસને લઇ અન્ય દુકાનનાં વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.

You might also like