વડોદરાની યુવતીનું ઓસ્ટ્રેલિયામાં મોત

વડોદરા : એકના એક ભાઇના લગ્ન જોવાનો ઉત્સાહ એક જ ક્ષણમાં માતમમાં ફેરવાઇ ગયો. મૂળ વડોદરાની યુવતી નિમીષા રાણા જે હાલ ઓસ્ટ્રેલિયાની એડીલેડ સિટીમાં રહે છે. તેનું ૪થી ફેબ્રુઆરીના રોજ ઓફિસથી પરત ફરતાં રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. વાઘોડીયા રોડ ખાતે રહેતા ભાઇના લગ્ન હોવાથી જે બહેને ભાઇના લગ્ન માટે ઓસ્ટ્રેલીયાના એડીલેડથી ઇન્ડીયા આવવાની હતી તે બહેન પોતાના એકના એક ભાઇના લગ્ન જોયા પહેલાં જ કાળનો કોળિયો બની ગઇ.

કારમાં નોકરી જતી યુવતી જે દિવસે કાર છોડી સ્કુટી લઇને નોકરી પર ફરજ બજાવી ઘરે પરત ફરી રહી હતી ત્યારે કાળનો કોળિયો બની. ઓસ્ટ્રેલિયાના એડીલેડ સિટીમાં રહેતી વડોદરાની નિમીષા જીગ્નેશ રાણા (૩૧)ને ગત તા.૪ ફેબ્રુઆરીના રોજ રોડ અકસ્માત થયો હતો. જેમાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. એક કલાકની ટૂંકી સારવાર દરમિયાન યુવતીને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી.

વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલી વ્રજધારા સોસાયટીમાં રહેતી નિમીષા રણછોડભાઇ રાણાના લગ્ન છ વર્ષ અગાઉ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા જિગ્નેશ રાણા સાથે થયા હતા. લગ્ન બાદ નિમીષા ઓસ્ટ્રેલિયાના એડીલેડ સિટીમાં તેમના પતિ સાથે લગ્નજીવન વિતાવી રહી હતી. નિમીષા એડીલેડની એક સંસ્થામાં ફરજ બજાવતી હતી તેમને દોઢ વર્ષની એક દીકરી પણ છે.

બનાવ અંગે નિમીષાના પિતા રણછોડભાઇ રાણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ૩ ફેબ્રુઆરીના રોજ મારે મારી દીકરી નિમીષા સાથે ફોન પર અડધો કલાક વાત થઇ હતી. ૨૨ ફેબ્રુઆરીના રોજ નિમીષાના ભાઇના લગ્ન હોવાથી તેણે જણાવ્યું હતું કે તે ૧૧ ફેબ્રુઆરીના રોજ તેના પરિવાર સાથે વડોદરા ભાઇના લગ્ન માટે આવવાની છે જેને માટે નિમીષાએ ૪ તારીખથી ઓફિસમાં રજા પણ લીધી હતા.

નોકરીનો છેલ્લો દિવસ ૪ ફેબ્રુઆરીના રોજ નિમીષાની નાઇટ શીફટ હતી જેથી બે કલાકનું વધારાનું એકસટેન્શન મળ્યું હતું. નિમીષાએ જિગ્નેશને ફોન કરીને કહયું કે મારે થોડું લેટ થશે એટલે તમે પેકિંગ શરૂ કરી દેજો હું આવું છું. પણ કુદરતને કંઇ બીજું મંજુર હતું.

સવારના ૪ વાગે નિમીષા તેની સ્કુટી લઇને ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં અચાનક એક મિનિ બસ ચાલકે નિમીષાની સ્કુટીને પાછળથી ટક્કર મારતા તે રસ્તા ઉપર ફંગોળાઇ તેવામાં પાછળથી આવતી એક કાર નિમીષા ઉપર ફરી વળી અને તે ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ. નિમીષાને તાત્કાલિક સારવાર મળે તે માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં એક કલાકની ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ નિમીષાને મૃત જાહેર કરી હતી. અકસ્માતની જાણ થતાં વડોદરા સ્થિત પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી.

You might also like