વડોદરાઃ ગરબાનાં મેદાનને લઇ નવાં ગ્રુપને લઇ સર્જાયો મોટો વિવાદ

વડોદરાઃ નવરાત્રીનાં તહેવારની વડોદરાવાસીઓ આતુરતાથી રાહ જોઈ બેઠા છે. તો આયોજકોએ પણ નવરાત્રીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે તેવામાં વડોદરાનાં એક ગરબાનાં મેદાનને લઈ એક મોટો વિવાદ ઉભો થયો છે. આ વિવાદનાં કારણે ગરબાનાં ભવિષ્ય સામે સવાલો ઉભા થયાં છે. વડોદરામાં બે મોટા ગરબા આયોજકો વર્ષોથી ગરબા કરે છે. એક છે યુનાઈટેડ વે અને બીજું છે વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ.

આ બંને ગરબામાં નવરાત્રીમાં 50 હજાર જેટલાં લોકો એક સાથે ગરબા રમે છે. વડોદરા નવરાત્રી ફેસ્ટીવલનાં આયોજકો દ્વારા દર વર્ષે નવલખી મેદાન પર ગરબા કરાય છે પરંતુ ચાલુ વર્ષે નવલખી મેદાન પર કલાનગરી મહોત્સવનાં નામે નવું ગ્રુપ ગરબા કરવાનું હોવાથી વીએનએફનાં આયોજકો ગોથે ચઢ્યાં છે.

વીએનએફનાં આયોજકોએ એમ.એસ યુનિવર્સીટીનાં પેવેલિયન મેદાનની ગરબા યોજવા માટે માંગ કરી હતી. જે માંગ યુનિવર્સીટી સિન્ડીકેટની બેઠકમાં સ્વીકારી લેવામાં આવી છે જેનાં કારણે મોટો વિવાદ ઉભો થયો છે. આજે સેનેટ સભ્યો અને વિધાર્થીઓ તેમજ ખેલાડીઓએ ઈન્ચાર્જ રજિસ્ટ્રારને મેદાન પાછું લેવા માટે આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજુઆત કરી હતી.

યુનિવર્સીટીએ વીએનએફનાં આયોજકોને માત્ર એક રૂપિયાનાં ટોકન પર પેવેલિયન મેદાન ભાડે આપવાની વાત છે તો 25 લાખ રૂપિયા ડિપોઝીટ પેટે લેવાની પણ વાત છે પરંતુ યુનિવર્સીટીની જગ્યામાં કોમર્સિયલ ઈવેન્ટને લઈ કેટલાક સિન્ડીકેટ સભ્યો સહિત પેવેલિયન મેદાન પર રમતા ખેલાડીઓ પણ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે તો સમગ્ર વિવાદ મામલે યુનિવર્સીટીનાં ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ચુપકીદી સાધી બેઠા છે.

મહત્વની વાત છે કે વીએનએફનાં આયોજકોને યુનિવર્સીટીનું મેદાન મળે તો કલાનગરી મહોત્સવનાં ગરબા ફલોપ જવાની શંકા છે. જેનાં કારણે પાછળનાં દરવાજેથી કલાનગરી ગરબા મહોત્સવનાં આયોજકો યુનિવર્સીટીનું મેદાન ન મળે તેવા પ્રયત્નો કરી રહ્યાં છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે વિધાર્થીઓ, સેનેટ- સિન્ડીકેટ સભ્યોનાં વિરોધ બાદ પણ યુનિવર્સીટીનું મેદાન ગરબા માટે આપવાનો નિર્ણય કાયમ રખાય છે કે પછી મેદાનની પરવાનગી રદ કરવામાં આવે છે.

You might also like