વડોદરા : મકાન સીલ કરવા ગયેલી પોલીસ અને સ્થાનિકો વચ્ચે મારમારી

વડોદરા : શહેરનાં અકોટા વિસ્તારમાં આવેલા નુર્મનાં મકાનોમાં બિનકાયદેસર રીતે વેપાર કરી રહેલી મહિલાઓને મકાન ખાલી કરાવવા માટેનું ફરમાન થયું હતું. જો કે મહિલાઓને મકાન ખાલી કરાવવા માટે ગયેલા મહિલા પીએસઆઇ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક મહિલાએ કેરોસીન છાંટીને આત્મહત્યાનો પણ પ્રયાસ કરતા વાતાવરણ તંગ બન્યું હતું. આ મહિલાને રોકવા મુદ્દે પણ ભારે ઘર્ષણ થયું હતું. જો કે આ મુદ્દે મહિલા પીએસઆઇએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
મહિલા પીએસઆઇ સાથે મારામારીનો કિસ્સો બન્યો હતો. નુર્મનાં મકાનોમાં બ્લોક નં-3માં રહેતા શબનમખાન પઠાણ પોતાનાં ઘરમાં અગરબતીનો વેપાર કરે છે. આ માહિતી વડોદરા કોર્પોરેશનને મળી હતી. આ અંગે કોર્પોરેશન દ્વારા છ મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જો કે તેણે નોટિસ અવગણીને મકાનમાં અગરબતીનો વેપાર ચાલુ રાખ્યો હતો.
અંતે કોર્પોરેશનની ટીમ મકાનને સીલ કરવા ગઇ હતી. જો કે સીલ મારવા દેવામાં આવ્યું નહોતું. ત્યાર બાદ પોલીસ પ્રોટેક્શન સાથે ફરી કોર્પોરેશનની ટીમ સીલ મારવા માટે પહોંચી હતી. જ્યાં મામલો બિચક્યો હતો. પ્રથમ બોલાચાલી અને ત્યાર બાદ આ મહિલાએ હાથ ઉપાડવાનું ચાલુ કર્યું હતું.
કોર્પોરેશનની ટીમે મકાન ખાલી કરીને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી તો મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોતાનાં શરીર પર કેરોસીન છાંટી રહી હતી જેને મહિલા પીએસઆઇ ગીતા શીંદેએ અટકાવી હતી. જો કે ત્યારે ભડકી ગયેલી મહિલાએ ગીતા શીંદેની સાથે મારામારી ચાલુ કરી દીધી હતી. ત્યાર બાદ મહિલા પીએસઆઇએ તેને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતા જો કે શબનમ દ્વારા મહિલા પીએસઆઇ સાથે ગેરવર્તણુંક ચાલી જ રહી હતી. જો કે પોલીસે ત્યાર બાદ મામલો થાળે પાડ્યો હતો અને ત્રણેય મકાન ખાલી કરાવીને સીલ કર્યા હતા.

You might also like